કોની સામે કાર્યવાહી કરવી? મેડિકલ કોલેજોમાં કાયમી ડીન જ નથી
યુજીસીના નિયમ પ્રમાણે રેગિંગ માટે ડિન જવાબદાર, રાજયની 13 સંસ્થામાં ઇન્ચાર્જથી વહીવટ
પાટણની મેડીકલ કોલેજમાં બનેલી રેગીંગની ઘટનામાં છાત્રનું મોત થતા યુજીસી અને સરકાર દ્વારા નિયમો જાહેર કરી રેગીંગમાં ડિનની જવાબદારી ફિકસ કરવામાં આવી છે. અને કાર્યવાહીની જોગવાઇ કરાઇ છે.પરંતુ ખાટલે મોટી ખોટ છે. રાજયની 13 મેડીકલ કોલેજમાં કાયમી ડિન જ નથી.
ઇન્ચાર્જથી વહીવટ ચાલી રહ્યો છે ત્યારે પાટણકાંડમાં ઇન્ચાર્જ ડિન સામે કાર્યવાહી કરવા મુંઝવણો ઉભી થઇ હોવાની ચર્ચા રાજયભરમાં થઇ રહી છે.પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બાદ હાલમાં જીએમઇઆરએસ સંચાલિત તમામ મેડિકલ કોલેજો વિવાદમાં આવી છે. કોઇપણ મેડિકલ કોલેજમાં રેગિંગ થાય તો તેના માટે ડીનને જવાબદાર ઠેરવીને એક વર્ષની સજા કરવા ઉપરાંત ટર્મિનેટ કરવા સુધીની જોગવાઇ યુજીસી દ્વારા કરાઈ છે.
આ કિસ્સામાં કાયમી ડીન જ નથી ત્યારે હવે કેવા પગલાં લેવામાં આવે તે મહત્ત્વનું છે. કોલેજો દ્વારા રેગિંગને લગતાં નિયમોનું પાલન કરવામાં ન આવતાં ફરીવાર તમામ સોસાયટી સંચાલિત કોલેજોને પત્ર મોકલીને રેગિંગના નિયમોનું પાલન કરવા માટે સરકારને તાકીદ કરવાની ફરજ પડી છે.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (જીએમઇઆરએસ ) સોસાયટી સંચાલિત 13 મેડિકલ કોલેજો પૈકી એકપણ કોલેજમાં કાયમી ડીન નથી.આ સ્થિતિમાં પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની તેમાં ડીનને જવાબદાર ગણીને કાર્યવાહી થશે કે કેમ તે પ્રશ્ન છે. મેડિકલના સૂત્રો કહે છે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ની જોગવાઇ પ્રમાણે કોઇપણ મેડિકલ કોલેજમાં રેગિંગ થાય તો તેના માટે જે તે ડીનને જવાબદાર ગણીને એક વર્ષની સજા કરવાની જોગવાઇ છે.
આ ઉપરાંત ટર્મિનેટ કરવા સુધીની કાર્યવાહી થઇ શકે છે. પાટણની ઘટનામાં રેગિંગના કારણે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. આ કોલેજમાં કાયમી ડીન પણ નથી. હાલમાં એક પ્રોફેસરને ડીનનો ચાર્જ સોંપાયો છે.
આ સ્થિતિમાં યુજીસીના નિયમ પ્રમાણે ડીન સામે કાર્યવાહી થઇ શકે કે તેમ તે મહત્ત્વનું છે. યુનિવર્સિટી દ્વારા હાલમાં ડીન પાસે અહેવાલ મગાયો છે. રેગિંગ કરનારા તમામ વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં અભ્યાસ કરતાં હોવાથી તેમની સામે યુનિવર્સિટી દ્વારા જ કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી છે. ડીનનો અહેવાલ મળ્યા બાદ આગળની કાર્યવાહી તેના આધારે કરવામાં આવે તેવી શકયતા છે.
રેગિંગમાં જે વિદ્યાર્થી ભોગ બન્યો છે તે પહેલાં વર્ષમાં અભ્યાસ કરતો હોવાથી ડીનના અહેવાલ બાદ તેના પ્રવેશ રદ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.આમ, મેડિકલ સોસાયટી સંચાલિક તમામ મેડિકલ કોલેજોમા કાયમી ડીન અને સુપરિન્ટેડન્ટ જ ન હોવાથી રેગિંગ સહિતની કોઇપણ પ્રકારની ગંભીર ઘટના બને ત્યારે કોની સામે અને કેવા પ્રકારના કાર્યવાહી કરવી તેની મુશ્કેલી ઊભી થઇ રહી છે.