પ્રેમલગ્ન બાદ સાસરિયાના ત્રાસથી પરિણીતા આત્મહત્યા કરે તે પૂર્વે ટીમ અભયમે અટકાવી
મોરબી પંથકમાં પ્રેમ લગ્ન બાદ પતિ અને સાસુ સસરાના ત્રાસથી આત્મહત્યા કરવા નીકળેલી મહિલાનો ટીમ અભયમે જીવ બચાવી કાકા-કાકી સાથે ભેટો કરાવ્યો હતો. પ્રેમ લગ્ન બાદ પતિ સહિતના સાસરિયાએ તરછોડી દેતા નિરાધાર બનેલી મહિલાનું પરિવાર સાથે પૂન:મિલન કરાવનાર ટીમ અભયમનો આભાર વ્યક્ત કરી કામગીરી બિરદાવવામાં આવી હતી.
મોરબીના લખધીર પર ગામ પાસે એક મહિલા છેલ્લા નવેક કલાકથી ગુમસુમ બેઠા છે અને રડી રહ્યા છે. તેથી તેમની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂૂર હોવાની એક જાગૃત નાગરિકે કોલ કરી જાણ કરી હતી. જાણ થતાં જ મોરબી ખાતે કાર્યરત 181 મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર અને પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચ્યા હતા. અને મહિલાને સાંત્વના આપી મહિલાને ભોજન કરાવ્યું હતું. ત્યારબાદ મહિલાનું કાઉન્સિલીગ કરતા મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી હાલ તેના માતા-પિતા સાથે કોઈ પ્રકારના સબંધ નથી મહિલાને માતા-પિતાની યાદ આવતા વાત કરવી હતી જેથી પતિ પાસે ફોન માંગતા પતિએ ફોન આપવાનીના પાડી મારઝૂડ કરી હતી એટલું જ નહીં પતિ દારૂૂના નશામાં અયોગ્ય વર્તન કરે છે અને સાસુ-સસરા પ્રેમ લગ્ન મુદ્દે વારંવાર મેણા ટોણા મારતાં હોવાથી કંટાળી જઇ મહિલા ઘરેથી આત્મહત્યા કરવા નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. 181 ટીમે મહિલાને આશ્વાસન આપી ક્યારેય પણ આપઘાતનો વિચાર નહિ કરવા સમજણ આપી હતી. અને મહિલાને તે જ્યાંથી નીકળી ગઈ હતી ત્યાં લઈ જતા તેણીના પતિ, સાસુ અને સસરા સામાન લઈને કંપનીમાંથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ મહિલાના માતા પિતાનો સંપર્ક કરતા તેઓ હાલ બિહાર હોવાથી વાંકાનેર રહેતા કાકા-કાકીનું સરનામું આપતા મહિલાને તેના કાકા-કાકીનો ભેટો કરાવ્યો હતો. મહિલાને સુરક્ષિત ઘરે પહોંચાડનાર ટીમ અભયમનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.