તાવ ઉતરી ગયા બાદ માનતા કરવા જતા યુવાનને કાળ ખેંચી ગયો
જસદણ પાસે બનેલી ઘટના : બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવાને દમ તોડતા પરિવાર શોકમા ગરકાવ
જસદણમાં રહેતા યુવકને તાવ ઉતરી જતા ગઢડીયા ગામે આવેલા મેલડી માતાજીના મંદિરે માનતા કરવા જતો હતો. ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગ ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં ગંગાભવન પાસે રહેતા વિજય રમેશભાઇ કલકાણી નામનો 35 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે બપોરના ચારેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને જસદણ લીલાપુર રોડ ઉપર જઈ રહ્યો હતો.
ત્યારે સોમનાથ જીન પાસે પહોંચતા વિજય કલકાણીએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિજય કલકાણી બે ભાઈમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે વિજય કલકાણીને તાવ આવતો હતો અને બાદમાં સારું થઈ જતા ગઢડીયા ગામે આવેલ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ કરી છે.