શાપરમાં બોઈલર ફાટતાં ભભૂકેલી આગમાં કારખાનેદાર બાદ મજૂરે પણ દમ તોડ્યો
રાજકોટ પંથકમાં આગની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે ત્યારે શાપર નજીક આવેલા ડાઈ કાસ્ટીંગના પ્લાન્ટમાં ઓઈલ લીકેજ થતાં મશીન સળગી ઉઠયું હતું. બોઈલ ફાટતાં ભભૂકી ઉઠેલી આગમાં કારખાનેદારનું મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે દાજી ગયેલા ભાગીદાર, કારીગર અને મૃતકના ભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. કારખાનદાર બાદ શ્રમિક યુવકે પણ સારવારમાં દમ તોડતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર નજીક વીરવા રોડ પર આવેલ ગોલ્ડ ગેઈટ નં.1માં આવેલ ડાઈ કાસ્ટીંગના પાંચ દિવસ પૂર્વે કારખાનામાં રાત્રીના દસેક વાગ્યાના અરસામાં બોઈલર ફાટતાં આગ ભભુકી ઉઠી હતી. આગમાં કારખાનેદાર ભરતભાઈ ધીરૂૂભાઈ કાકડીયા (ઉ.27) તેના ભાઈ જયેશભાઈ ધીરૂૂભાઈ કાકડીયા (ઉ.24) અને કારખાનાના પાટનર પીયુષભાઈ ગોરધનભાઈ પીપળીયા (ઉ.35) અને કારીગર પ્રધ્યમ રામકૃપાલ રાજપૂત (ઉ.23) ગંભીર રીતે દાજી ગયેલા ચારેય યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ગંભીર રીતે દાજેલા કારખાનેદાર ભરતભાઈ કાકડીયાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જ્યારે સારવાર લઈ રહેલા કારીગર પ્રધ્યમ રામકૃપાલ રાજપૂત (ઉ.23)નું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિલના બિછાને મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો.
આ અંગે પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને તેના એકાદ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.