જનતા રેડ બાદ દેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસના દરોડા, 25 ગુના નોંધાયા
રાજકોટ શહેરમાં દેશી દારૂના હાટડાઓ બેફામ ધમધમી રહ્યાં છે. પોલીસ દ્વારા સમયાંતરે દરોડા પાડવા છતાં દેશી દારૂના ધંધાર્થીઓ ફરી પોતાના ધંધા શરૂ કરી દે છે. ગઈકાલે શહેરનાં અંબીકા ટાઉનશીપમાં આવેલ શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં દેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ પડયા બાદ પોલીસ કમિશ્નરની સુચનાથી શહેરભરની પોલીસ દેશી દારૂના અડ્ડાઓ ઉપર તુટી પડી હતી અને એક જ દિવસમાં 100 થી વધુ સ્થળોએ પોલીસે દરોડા પાડી 25 જેટલા ગુના દાખલ કર્યા હતાં અને 230 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો.
શહેરમાં દેશી દારૂના ધંધાર્થીઓ સામે તુટી પડવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ શહેરભરનાં તમામ પોલીસને આદેશ આપ્યા બાદ હવે દેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસે દરોડાનો દૌર શરૂ કર્યો છે. ગઈકાલે શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા વખતથી ચાલતાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર અંતે અંબીકા ટાઉનશીપ વિસ્તારની સોસાયટીના રહીશોએ દરોડા પાડયા હતાં. જો કે આ દરોડા દરમ્યાન બુટલેગર ભાગી છુટયો હોય આ જનતા રેડને લઈને પોલીસ અને આ વિસ્તારનાં લોકો વચ્ચે ભારે ગરમાગરમી પૂર્વક ચર્ચાઓ થઈ હતી અને આ જનતા રેડ બાદ શહેરભરમાં પોલીસે દેશી દારૂના કુખ્યાત વિસ્તારોમાં દરોડા પાડયા હતાં.
શહેરનાં કુબલીયાપરા તેમજ જંગલેશ્ર્વર, કીટીપરા, એરપોર્ટ વિસ્તાર, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, પેરોલ ફર્લો સ્કવોર્ડ અને એસઓજીની ટીમ અલગ અલગ વિસ્તારમાં ત્રાટકી હતી અને દેશી દારૂના બુટલેગરો સામે કાર્યવાહી કરી મહિલાઓ સહિત 25 શખ્સોની ધરપકડ કરી અને 230 લીટરથી વધુ વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. શહેરમાં જાણે દારૂબંધીની કોઈ જ અસર ન હોય તેમ દેશી અને વિદેશી દારૂ આસાનીથી મળી જતો હોય અને આવા દારૂના વેચાણ અંગેના વિડિયો પણ સોશ્યલ મીડિયાં ભૂતકાળમાં વાયરલ થયા હોય પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા એકશન મોડમાં આવ્યા છે અને ગઈકાલે જ શહેરભરના તમામ વિસ્તારમાં ચાલતાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તુટી પડવા આદેશ મળતાં પોલીસે દરોડા પાડયા હતાં અને દેશી દારૂના ધંધાર્થીઓની ભઠ્ઠીનો નાશ કરી દેશી દારૂના આથા ભરેલા બેરલનો નાશ કર્યો હતો.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ચાલુ માસના પ્રારંભે જ શહેરભરનાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસ ત્રાટકી હતી અને 79 અડ્ડાઓ અંગે પોલીસે ગુના પણ દાખલ કર્યા હતાં. જેમાં કડક કાર્યવાહી કરવામાં આવી હોય છતાં પણ બુટલેગરો સુધરવાનું નામ લેતાં નથી ત્યારે વધુ એક વખત પોલીસે દેશી દારૂના 100 થી વધુ અડ્ડાઓ ઉપર સર્જિીકલ સ્ટ્રાઈક કરી આવા બુટલેગરો સામે ગુના નોંધ્યા હતાં.