ડિટેન બાદ જૂના મેમોની ‘રકમ’ ભરાશે તોજ વાહન છૂટશે : ડીસીપી
બ્લેક ફિલ્મ, કર્કસ હોર્ન, નંબર પ્લેટમાં ચેડાં, આંખોને અંજાઈ જતી લાઈટો વાળા વાહન ચાલકો દંડાયા : 240 વાહન ડિટેન
રાજકોટમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે.આજે ઘરમાં જેટલા સભ્યો એટલા વાહનો દોડી રહ્યા છે જે ટ્રાફિક સમસ્યા પાછળનું મુખ્ય કારણ છે.આ બધાની વચ્ચે વાહનમાં નંબર પ્લેટ ન રાખવી,નંબરપ્લેટ સાથે ચેડાં કરવા,લાયસન્સ વગર ડ્રાઈવિંગ કરવું અને કર્કશ હોર્નના રાખવું સહિતના નિયમો અમલમાં છે પરંતુ તેનું સજ્જડ પાલન થઈ રહ્યું ન હોવાને કારણે ચાલકોને એક પ્રકારે સગવડ મળી રહી હતી.જો કે હવે પોલીસ આ દિશામાં વધુ આકરી બની છે અને નંબર પ્લેટ વગર વાહન ચાલતું પકડાય એટલે સીધું તેને ડિટેઈન જ કરી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવે જણાવ્યું હતું કે,અત્યાર સુધી લોકોને નંબર પ્લેટ વગરનું વાહન લઈને નીકળશું અથવા તો લાયસન્સ વગર વાહન ચલાવતાં પકડાશું એટલે મામૂલી દંડ ભરપાઈ કરીને છૂટી જવાશે.જો કે હવે આવું ચલાવી લેવામાં આવશે નહીં અને આ પ્રકારના દરેક વાહનને સીધા ડિટેઈન જ કરી દેવામાં આવશે.જ્યારે ટ્રાફિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જો નંબર પ્લેટ વગરનું કે ચેડાં કરાયેલું વાહન ડિટેઈન થશે એટલે તેને છોડાવવા માટે 500 રૂૂપિયાનો દંડ ભરપાઈ કરવાનો રહેશે.જો ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓનો મેમો ફાડવામાં આવશે તો ત્યાંથી પણ 500 રૂૂપિયા દંડ ભરીને છોડાવી શકાશે પરંતું અગાઉના ઈ-મેમોની ભરપાઈ કરવાની બાકી હશે તો તે રકમ પણ ભર્યા બાદ જ વાહનનો છૂટકારો થશે.ત્યારે બીજી બાજુ થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ ટ્રાફિક પોલીસ દ્વારા રોજેરોજ બે કલાક ડ્રાઇવ રાખવામાં આવે છે.
જેમાં ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત બે જ દિવસમાં 240 વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા.ટ્રાફિક બ્રાન્ચે 91 મોટર સાઈકલ, 2 ટ્રેક્ટર, 22 રિક્ષા મળી 115 વાહન ડિટેઈન કર્યા હતા. જ્યારે ઝોન-1 વિસ્તારના પોલીસ અધિકારીઓ દ્વારા 56 મોટર સાયકલ, 2 કાર, 1 રિક્ષા મળી 59, ઝોન-2ના અધિકારીઓ દ્વારા 59 મોટર સાયકલ ડિટેઈન કરાયા હતા. આમ 206 ટુ-વ્હીલર, બે કાર, બે ટ્રેક્ટર અને 23 રિક્ષા મળી 240 વાહન ડિટેઈન કરી શીતલ પાર્ક ટોઈંગ સ્ટેશને રાખવામાં આવ્યા છે.
ટ્રાફિક પોલીસે બે દિવસમાં જ 502 લોકો પાસેથી 2.47 લાખનો દંડ વસૂલ્યો
ટ્રાફિક પોલીસ દ્વારા રોજેરોજ બે કલાક માટે ડ્રીન્ક એન્ડ ડ્રાઈવની કામગીરી અંતર્ગત ડ્રાઈવ કરાઈ હતી જેમાં નિયમોનો ભંગ કરી રહેલા 314 લોકોએ 1.23 લાખનો દંડ ભરપાઈ કર્યો હતો.જ્યારે 188 લોકોને 1.23નો ઈ-મેમો ફટકારાયો હતો.આમ રાત્રે 8થી 10 વાગ્યા સુધીની બે કલાકમાં 502 લોકોને ટ્રાફિક પોલીસને દંડયા હતા.આમ બે દિવસ 2.47 લાખના દંડની વસૂલાત થવા પામી હતી.