ગૌચરના દબાણો નહીં હટાવતા કચેરીમાં ગાયો છોડી મૂકતા અફરાતફરી
વિસાવદરના માલધારીઓનું ટીડીઓ ઓફિસમાં હલ્લાબોલ
છેલ્લા 17 વર્ષથી રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આપતા તંત્રને ઢંઢોળવા વિરોધ
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા નજીકનો વિસ્તાર ગીર અને માલઢોર માટે પ્રખ્યાત છે. ત્યારે છેલ્લા 18 વર્ષથી ગૌચર ખુલ્લું કરાવવા માટે રજૂઆત કરી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી ન કરાયા હોવાના માલધારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે ના છૂટકે માલધારીઓ પોતાના માલઢોર લઈ ટીડીઓ કચેરી ખાતે ધામા નાખ્યા હતા અને ગૌચર જમીન મામલે યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ કરી હતી. ટીડીઓ કચેરીમાં 150 જેટલી ગાય છોડી દેવાતા અરજદારો અને કચેરીના કર્મચારીઓ પરેશાન થયા હતા.
વિસાવદર પંથકમાં માલધારી દ્વારા અગાઉ પણ ગૌચર મામલે વારંવાર રજૂઆતો અને આંદોલનો કરવામાં આવ્યા પરંતુ તંત્ર દ્વારા આ વિસ્તારનું ગૌચર ખુલ્લું ન કરાતા માલધારીઓમાં રોષ ભભુકી ઉઠયો છે. ત્યારે વિસાવદર ના પ્રેમપરા ગામની ગૌચર જમીન મામલે 31/1/2022 ના કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે આ જમીનની ડી.આઈ.એલ.આર વિભાગ અને સરકારી ખર્ચે માપણી કરવામાં આવે અને તે માપણી ના આધારે દબાણો દૂર કરવા તેવો હુકમ કરવામાં આવ્યો હતો.માલધારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી કોઈ નિકાલ ન આવતા માલધારીઓએ પોતાના માલ ઢોર લઈ સરકારી કચેરી ખાતે રોકાવા મજબુર બનવું પડ્યું હતું. તો વિસાવદરમા ચાલતા ગૌચર આંદોલન ને લઈને માલધારી દ્વારા આત્મા વિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
પ્રેમપરાના માલધારી લખમણભાઇ ટાલિયાએ જણાવ્યું હતું કે, અમને અમારા સર્વે નંબરમાં કલેકટર દ્વારા ગૌચર ખુલ્લું કરાવવા માટે 31/1/2022ના રોજ હુકમ કરી દેવામાં આવ્યો છે. છતાં પણ તંત્ર દ્વારા આ મામલે યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી. ત્યારે કાલે વિસાવદર મામલતદારને આ મામલે રજૂઆત કરવા ગયા ત્યારે તેમને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે ત્રણ ચાર દિવસ ગાયો બાંધી રાખો અમને કોઈ વાંધો નથી. ત્યારે માલધારીના ગૌચર ખુલ્લું કરાવવા મામલે તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર કોઈ જવાબ આપતા નથી. જેને લઇ બે દિવસથી અમારા માલ ઢોર સરકારી કચેરી ખાતે રાખ્યા છે.
માલધારી હાજાભાઈ કોડીયાતર એ જણાવ્યું હતું કે કાલ 9:00 વાગ્યાના અમે અહીં ગાયો લઈને આવ્યા છીએ. છતાં પણ અહીંના અધિકારી ધ્યાન આપતા નથી. પ્રાંત અધિકારીને રજૂઆત કરતા તેમણે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને કહેતા તેમણે મામલતદારને કહેવાનું જણાવ્યું હતું. આ મામલે મામલતદારને રજૂઆત કરતાં તેમણે કહ્યું હતું કે આ મામલે કંઈ થઈ શકે તેમ નથી. તમે અહીં ગાયો રાખીને બેસવું હોય તો બેસો અને અહીં જ ગૌશાળા બનાવો. ત્યારે ગૌચર મામલે જો વહેલી તકે નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી અહીંથી હટશું નહીં.
વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે : તંત્ર
તાલુકા વિકાસ અધિકારી જોષીએ જણાવ્યું હતું કે આ મામલે ડીએલઆર કચેરી દ્વારા કામગીરી શરૂૂ કરવામાં આવી છે.તેમજ ગ્રામ પંચાયત દ્વારા પણ દબાણ દૂર કરવાની કામગીરી પણ શરૂૂ છે. કાલસારી ગામનો મુદ્દો તાલુકા હસ્તક નો છે. વહેલી તકે માલધારીઓના પ્રશ્નો મામલે યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. આ મામલે વિસાવદરના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડે જણાવ્યું હતું કે ગૌચર જમીન મામલે માપણી કરાવવાની છે. પરંતુ વરસાદના કારણે ક્યારેક માપણી થાય ક્યારેક ન થાય. ડી એલ આર વિભાગના કહેવા મુજબ તેમની પાસે સર્વેયર ઓછા છે. માલધારીઓના કહેવા મુજબ 297 નંબરથી માપણી શરૂૂ કરવામાં આવી છે.