ત્રણ દરવાજા પાસે જાહેરાતનું બોર્ડ 11 કે.વી વીજલાઇન પર લટકતા દોડધામ
જામનગરમાં ત્રણ દરવાજા નજીક એક મકાન પર લગાવવામાં આવેલું જાહેરાત નું મોટુ હોર્ડિંગ કે જે ભારે પવનના કારણે તૂટીને ઇલેવન કેવીની હેવી લાઇન પર પડ્યું હતું, જેથી ભારે દોડધામ થઈ હતી.જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એ રાત્રિના અઢી વાગ્યે વીજ તંત્ર અને પોલીસની ટીમને સાથે રાખીને હેવી ક્રેઇન ની મદદ થી વરસતા વરસાદે હોર્ડિગને સહી સલામત નીચે ઉતારી લેતાં હાશકારો અનુભવાયો હતો.
આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં ગ્રેઈન માર્કેટ -ત્રણ દરવાજા નજીક એક મોટુ હોર્ડિંગ ભારે પવનના કારણે ઉખડી ગયું હતું, અને લટકી રહ્યું હતું.ત્યારબાદ ત્યાંથી પસાર થતી 11 કે.વી.ની વીજ લાઈન પર લટકી પડ્યું હતું. જેથી અફડા તફડી નો માહોલ સર્જાયો હતો.
જામનગર મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખાને જાણ થતાં દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી રાત્રીના અઢી વાગ્યે એસ્ટેટ વિભાગની ટિમને લઈને બનાવના સ્થળે પહોંચ્યા હતા, અને હેવી ક્રેઇનની મદદ લેવાઈ હતી.ઉપરાંત વિજ તંત્રને સ્થળ પર બોલાવી લઇ સમગ્ર વિસ્તાર નો વિજ પુરવઠો બંધ કરાવી દેવાયો હતો, જયારે પોલીસ ટુકડી ને વાહન વ્યવહાર સંબંધે હાજર રાખવામાં આવી હતી, અને સમય સૂચકતા વાપરીને હોર્ડિંગને સહી સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યું હતું. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. સમગ્ર કામગીરી વરસતા વરસાદે કરવામાં આવી હતી.