રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ એઇમ્સમાં વહીવટી માફિયાઓનો કબજો, ભરતીથી માંડી આઉટ સોર્સિંગ સુધી ઉઘાડો ભાઇ-ભત્રીજા વાદ

03:41 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મામકાઓને મહત્ત્વની જગ્યાઓ ઉપર ગોઠવી દઇ ગુજરાતના સૌથી મોટા આરોગ્ય મંદિરમાં ચોક્કસ અધિકારીઓની ટોળકીએ જમાવ્યું આધિપત્ય

ભરતી લાયકાત અને અનુભવ- ઉંમરના સર્ટિફિકેટોમાં પણ મોટી ગોબાચારી? વિરોધ કે ફરિયાદ કરનાર સ્ટાફને ઠેકાણે પાડી દેવા સુધીની ગોઠવણ

રાજકોટ એઇમ્સ શરૂ થયાને પુરૂ એક વર્ષ થયું નથી ત્યાં વહીવટી માફિયાઓએ આ ગુજરાતના એકમાત્ર મેડીકલ સંકુલ ઉપર કબજો કરીલઇ ભ્રષ્ટાચારનો અખાડો બનાવી દીધાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. એઇમ્સમાં ભરતીથી માંડી મેડીકલ સપ્લાઇ લાઇન અને કેન્ટીન સુધી એઇમ્સનો જ વહીવટ કરતી ચોક્ક્કસ ટોળકી અને તેના મળતીયા કોન્ટ્રાકટરો કબજો કરી કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર આચરતા હોવાનું જાહેર થઇ રહ્યું છે ત્યારે એઇમ્સમાં વિવિધ ખરીદીઓથી માંડી આઉટ સોર્શિંગના કોન્ટ્રાકટ અંગે સર્વગ્રાહી તટસ્થ તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાનડ બહાર આવવાની શકયતા એઇમ્સ સાથે જ સંકળાયેલા લોકોએ વ્યકત કરી છે.

એઇમ્સમાં કબજો કરીને બેઠેલા વહીવટી માફીયાઓના શરણે નહીં થનાર કર્મચારીઓ, પેરા મેડીકલ સ્ટાફ તથા તબીબોને યેનકેન પ્રકારે હેરાન- પરેશાન કરી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની પણ વ્યાપક ફરીયાદો ઉઠી છે.

એઇમ્સમાં સીધી કે, આઉટ શોર્સિંગથી થયેલી ભરતીમાં પણ ભયંકર મામકાવાદ ચલાવવામાં આવ્યો છે અને એઇમ્સમાં ફરજ બજાવતા વહીવટી માફીયાઓના મામા-માસીના મામકાઓને જ મહત્વની જગ્યાઓ ઉપર ગોઠવી દેવાયા છે. આ માટે જરૂરી લાયકાત અને ઉંમરના સર્ટિફિકેટોમાં પણ મોટાપાયે ગોબાચારી આચરવામાં આવી હોવાનું કહેવાય છે.

એઇમ્સમાં વહીવટ કરતા ઉચ્ચ અધિકારીઓના સંતાનો, ભાઇઓ અને સગા-સંબંધીઓની મોટાપાયે ઘુસણખોરી કરાવી દેવામાં આવી હોવાની ચોંકાવનારી હકિકતો સામે આવી છે.આ ઉપરાંત એઇમ્સમાં સારવાર માટે આવતા આઉટ ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટના આંકડાઓમાં પણ મોટી રમત થતી હોવાનો પણ આક્ષેપ થાય છે. ઇ-સંજીવની એપથી જે દર્દીઓને સલાહ-સૂચન અપાતા હોય તેને પણ ઓપીડી સાથે જોડી આંકડો મોટો બતાવાતો હોવાની ચર્ચા છે.

ઇનડોર પેશન્ટથી પણ એઇમ્સમાં સુવિધા છે પરંતુ મોટાભાગના પેશન્ટને દાખલ કરવાના બદલે ઓપીડીમાંથી જ અન્ય હોસ્પિટલોમાં ધકેલી દેવાતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. એક એવી પણ ચર્ચા છે કે, કોઇ પેશન્ટને એઇમ્સમાં દાખલ થવું હોય તો વહિવટી માફીયા ઇચ્છે અથવા તેની ભલામણ હોય તો જ દાખલ થઇ શકે છે.
સૌથી મોટી ગરબડ એઇમ્સમાં ફરજ બજાવતા 800 જેટલા મેડીકલ સ્ટાફના ભોજન માટેની કેન્ટીનમાં થઇ રહી છે. ભોજનની ગુણવતા અંગે કોઇ ફરીયાદ કરે તો તેને દબાવી દઇ ઉલ્ટાનું ફરીયાદીને હેરેસમેન્ટ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. હોસ્ટેલમાં રહેતા એમબીબીએસના વિદ્યાર્થીઓ પાસેથી કેન્ટીન ફી ફરજીયાત એડવાન્સ લઇ લેવામાન આવે છે અને એડવાન્સ કેન્ટીન ફી ન આપે તો હોસ્ટેલમાં એડમીશન આપવામાં આવતું નહીં હોવાનાં પણ આક્ષેપો થઇ રહ્યા છે.

રાજકોટ એઇમ્સ ચોકકસ ટોળકી માટે દુઝણી ગાય હોય તેમ સરકારી તિજોરીમાંથી પ્રજાના પરસેવાની કમાણીના નાણા નીચોવવામાં આવી રહ્યા છે. એઇમ્સમાં સાંસદો સહીત અનેક મહાનુભાવો સલાહકાર છે પરંતુ વહીવટમાં કોઇની ચાંચ ડુબતી નથી અથવા તો જાણતા હોવા છતાં પાપના ભાગીદાર બની રહ્યા છે.

ઉચ્ચ અધિકારીના સગા હોવાથી જુનિયર ડોકટરોને હોદ્દાની લહાણી અને સરકારી ખર્ચે ઇનોવા

એઇમ્સમાં વહિવટી માફીયાઓ દ્વારા ચાલતા ભાઇ-ભત્રીજાવાદના કેટલાક ચોંકાવનારા કિસ્સા બહાર આવ્યા છે. ટોચના અધિકારીના નજીકના સગા જુનીયર ડોકટર હોવા છતાં તેને આસીસ્ટન્ટ ડાયરેકટર બનાવી દઇ ફરવા માટે સરકારી પૈસે ઇનોવા કાર આપી દેવામાં આવી છે. જયારે ઉચ્ચ અધિકારીની પત્નીના નજીકના સંબંધી એવા જુનિયર મહીલા તબીબને 11 માસનો કરાર પુરો થવા છતાં છુટા નહીં કરીને બારોબાર કાયમી નિમણુંક આપી દેવામાં આવી છે. આ જુનિયર મહીલા તબીબ સિવાયના તમામ જુનિયર ડોકટરોને કરાર પુરો થતા છુટા કરી દેવામાં આવ્યા છે. પરંતુ એક મહીલા તબીબને નીતિ- નિયમો નેવે મુકીને કાયમી નોકરી આપી દેવામાં આવી છે. આ સિવાય એઇમ્સમાં આપવામાં આવેલા વિવિધ કોન્ટ્રાકટમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું અને સરકારી નિયમોનો ઉલાળીયો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પણ ચોંકાવનારા ઘટસ્ફોટ થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.

એમ્સમાં વહીવટી માફિયાઓના પાપે આયુષ્માન કાર્ડનું રજિસ્ટ્રેશન જ બાકી, ગરીબ દર્દીઓને હેરાનગતિ
કરોડો રૂપીયાના ખર્ચે બનેલી રાજકોટ એમ્સની બેદરકારીની ઘટનાઓ એક પછી એક બહાર આવી રહી છે. ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ આયુષ્યમાન કાર્ડ એમ્સમાં ચાલતું જ નથી કારણ કે આયુષ્યમાન કાર્ડની સેવા શરૂ કરવા માટે હોસ્પિટલનું રજીસ્ટ્રેશિન કરવું પડે. હજુ સુધી એમ્સના સતાવાળાઓએ આરોગ્ય વિભાગમાં રજીસ્ટ્રેશન જ કર્યું નથી. નવાઇની વાત તો એ છે કે એમ્સના અધિકારીઓ દ્વારા આ માટે આયુષ ભવનનું અલગથી બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. તેમાં સ્ટાફની નિમણુંક અને ઓફિસ પણ ફાળવી દિધી છે. રજીસ્ટ્રેશિન માટે રાજકોટ સિવિલનું માર્ગદર્શન પણ માંગવામાં આવ્યું પણ આમ છતાય આજદિન સુધી આયુષ્યમાન કાર્ડની સેવા શરૂ ન થતા દર્દીઓ નિ:શુલ્ક સેવાના લાભથી વંચીત રહે છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot AIIMSrajkot news
Advertisement
Next Article
Advertisement