રાજ્યના 34 વકીલોની વધુ માંદગી સહાય પેટે 13.50 લાખની સહાય મંજૂર
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એડવોકેટ વેલ્ફેર ફંડ કમિટીની ગઈકાલે યોજાયેલી બેઠકમાં રાજ્યના જુદા જુદા બાર એસોસિએશનોના 34 ધારાશાસ્ત્રીઓને વધુ માંદગી સહાય પેટે કુલ રૂૂપિયા 13.50 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલના અધ્યક્ષપદ હેઠળ ગઇકાલે ઇન્ડિજન્ટ એન્ડ ડિસેબલ એડવોકેટસ વેલફેર કમિટીની મીટીંગ મળી હતી. જેમાં વાઇસ ચેરમેન મુકેશ સી. કામદાર તથા સભ્યો કીરીટ એ.બારોટ, હીરાભાઈ એસ.પટેલ અને અનિરૂૂધ્ધસિંહ એચ. ઝાલા હાજર રહ્યા હતા. તેમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જિલ્લા અદાલતોના ધારાશાસ્ત્રીઓની માંદગી સહાયની અરજીઓ બીસીઆઈ એડવોકેટસ વેલફેર કમિટી ફોર ધી સ્ટેટ કમિટી દ્વારા મંજુર કર્યા બાદ ધારાશાસ્ત્રીઓની ગંભીર પ્રકારની બિમારીના કિસ્સામાં વધુ માંદગી સહાય આપવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇન્ડિજન્ટ એન્ડ ડિસેબલ એડવોકેટસ વેલફેર કમીટીને ભલામણ કરવામાં આવતા 34 જેટલા ધારાશાસ્ત્રીઓની અરજીઓ મંજુર કરાતા કુલ રૂૂપિયા 13.50 લાખ માંદગી સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સને 1992થી ગુજરાત બાર કાઉન્સિલમાં વેલફેર ફંડ મારફતે વકીલોને માંદગી સહાય તેમજ સભ્ય વકીલના મૃત્યુના કિસ્સામાં વારસદારોને સહાય ચૂકવવામાં આવે છે, તેમાં વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરનાર ધારાશાસ્ત્રીઓ જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગી સહિતની સહાયનો લાભ મેળવવા હકકદાર બને છે.
