For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોર્ડ દ્વારા ધો.10-12ની પરીક્ષા માટે 54 નવા કેન્દ્રોનો ઉમેરો

06:14 PM Feb 12, 2024 IST | Bhumika
બોર્ડ દ્વારા ધો 10 12ની પરીક્ષા માટે 54 નવા કેન્દ્રોનો ઉમેરો

રાજ્યમાં 1675 કેન્દ્રો નિયત કરાયા : ચોરી માટે પ્રખ્યાત કેન્દ્રો રદ કરાયા

Advertisement

ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રોની પસંદગી કરી લેવામાં આવી છે. અને આ વર્ષે 54 જેટલા કેન્દ્રોનો વધારો કરવામાં આવ્યો છે. જેથી આ વર્ષે રાજ્યમાં 1675 કેન્દ્રો પર પરીક્ષા લેવાનું આયોજન કરાયુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનુંહ જાણવા મળે છે. પરીક્ષા માટે સૌથી મહત્વના ગણાતા પરીક્ષા કેન્દ્રો નકકી કરવાની કાર્યવાહી પણ પૂરી કરી દેવાઈ છે. બોર્ડની પરીક્ષામાં દસ વર્ષે નવા પરીક્ષા કેન્દ્રો ઉમેરાતા હોય છે અને હયાત પરીક્ષા કેન્દ્રોમાંથી કેટલાક કેન્દ્રો રદ પણ થયા હોય છે. જયારે અમુક કેન્દ્રો એવા પણ હોય છે કે જે અગાઉ પરીક્ષા કેન્દ્ર હતા અને ત્યારબાદ રદ કરાયા પછી ફરી પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આમ, પરીક્ષા કેન્દ્રોની પસંદગીની કાર્યવાહી બોર્ડ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

Advertisement

આ વખતે ધોરણ 10ની પરીક્ષા માટે સમગ્ર રાજયમાં 981 પરીક્ષા કેન્દ્રો નકકી કરવામાં આવ્યા છે, જેમાં 26 નવા પરીક્ષા કેન્દ્રોનો સમાવેશ થાય છે. ગત પરીક્ષા વખતે ધોરણ-10માં 958 પરીક્ષા કેન્દ્રોમાંથી બોર્ડની પરીક્ષામાં લેવામાં આવી હતી. આમ, ગત પરીક્ષા કરતા આ વખતે 23 પરીક્ષા કેન્દ્રો વધ્યા છે. આમ, ધોરણ-10માં નવા કેન્દ્રો ઉમેરાવા સાથે જૂના કેન્દ્રો રદ થયા હોવાનું જાણવા મળે છે.
જયારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો, સામાન્ય પ્રવાહમાં નવા 21 પરીક્ષા કેન્દ્રો સાથે કુલ 547 કેન્દ્રો નકકી કરવામાં આવ્યા છે. 2023માં સામાન્ય પ્રવાહના 482 કેન્દ્રો હતા. આમ, આ વખતે કેન્દ્રોની સંખ્યામાં 65નો વધારો જોવા મળ્યો છે.

જયારે ધોરણ 12 સાયન્સમાં આ વખતે 7 નવા પરીક્ષા કેન્દ્રો ઉમેરાયા છે. આ સાથે ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે સમગ્ર રાજયમાં 147 કેન્દ્રો નકકી કરવામાં આવ્યા છે. ગત વર્ષેની બોર્ડની પરીક્ષા વખતે ધોરણ 12 સાયન્સમાં 140 કેન્દ્રો નકકી કરવામાં આવ્યા હતા. આમ, ગત વર્ષ કરતા આ વખતે 7 પરીક્ષા કેન્દ્રોનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. ધોરણ 10 અને 12ના મળી આ વખતે કુલ 1675 પરીક્ષા કેન્દ્રોમાંથી પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.
જયારે ગત વર્ષે એટલે કે 2023ની બોર્ડની પરીક્ષા વખતે 1580 પરીક્ષા કેન્દ્રોમાંથી બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. આ વખતના કેન્દ્રોની સંખ્યામાં 95નો વધારો થયો છે, જેમાં 54 જેટલા નવા કેન્દ્રોનો સમાવેશ થાય છે.

71 નવા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવ્યા બાદ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર તૈયાર કરી ત્યાં કામગીરી કરવામાં આવતી હોય છે. આ વખતે શિક્ષણ બોર્ડ દ્વારા રાજયમાં નવા 71 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નકકી કરાયા છે. ધોરણ 10માં આ વખતે 24 નવા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર સાથે કુલ 186 મૂલ્યાંકન કેન્દ્રો હશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નવા 36 મૂલ્યાંકન કેન્દ્રો સાથે કુલ 183 મૂલ્યાંકન કેન્દ્ર નકકી કરવામાં આવ્યા છે. જયારે ધોરણ 12 સામાન્યમાં નવા 8 મૂલ્યાંકન કેન્દ્રો ઉમેરાયા છે. આ સાથે સાયન્સમાં કુલ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની સંખ્યા 64 પર પહોંચી છે. આમ, શિક્ષર બોર્ડ દ્વારા આ વખતે કુલ 433 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નકકી કર્યા છે, જેમાં 71 નવા કેન્દ્રોનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement