રત્નકલાકારોના ઝખમ ઉપર મીઠું, સરકારે સહાય જાહેર કરી પણ આજ સુધી ચૂકવી નહીં
ડાયમંડ ઉદ્યોગનાં 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશના હોદ્દેદારો સાથે બેઠક યોજીને મિટિંગના 74 દિવસ બાદ (24 મે, 2025) રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું. જોકે, આજે 108 દિવસ બાદ પણ સરકાર દ્વારા અમદાવાદના ફક્ત 170 રત્નકલાકારોના બાળકોને જ સહાય ચૂકવાઈ છે જ્યારે સૌરાષ્ટ્રના 15,768 રત્નકલાકારોને હજુ સુધી સહાય ચૂકવાઈ નથી.
જીજ્ઞેશ મેવાણી અને અમિત ચાવડાએ આજરોજ વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન રત્ન કલાકારના બાળકોને ફી સહાય ચુકવણીની યોજના અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, રત્ન કલાકારોના બાળકોને અમદાવાદ સિવાય શિક્ષણ ફીની સહાય આપવામાં આવી નથી. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદથી 13,462 રત્નકલાકારોએ સહાય માટે અરજી કરી હતી તો અમરેલીથી 2306 રત્નકલાકારોએ અરજી કરી હતી. જેમાંથી એક પણ રત્નકલાકારને સહાય ચૂકવાઈ નથી. તે સિવાય સુરતમાંથી સૌથી વધુ 70,254 રત્ન કલાકારોએ સહાય માટેની અરજી કરવામાં આવી હતી, જેની અરજીઓ હજુ પણ પડતર પડી છે અને તેઓને સહાયની ચૂકવણી કરવામાં આવી નથી. ફક્ત અમદાવાદમાં 3926 રત્ન કલાકારોની અરજીમાંથી 170 રત્ન કલાકારોના બાળકોને 24.3 લાખની રકમ ચૂકવાઇ છે.