કાર્યકર્તાઓની અપેક્ષા હતી એટલે ઉમેદવારો બદલ્યા છે: પાટીલ
- અપેક્ષિત હોય એટલે ટિકિટ માટે દબાણ કરે પણ શિસ્ત તોડશે તેની સામે પગલા લેવાની પ્રદેશ પ્રમુખની જાહેરાત
ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતાં. અને જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાંથી બે બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યા તે કાર્યકર્તાઓની અપેક્ષા હતીં પરંતુ કોઈપણ વ્યક્તિ શિસ્ત તોડશે તો સંગઠન તેની સામે પગલા લેશે.
પ્રદેશ પ્રમુખ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતાં અને બપોરે પત્રકાર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં તે દરમિયાન તેમણે રાજકોટના પત્રકારો સાથે મુક્તપણે વાતચીત કરી હતી અને ભાજપ દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં 400 સીટથી વધુ બેઠક જીતવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો પાંચ લાખ કરતા વધારાની લીડ સાથે જીતવામાં આવશે અને આ જીત ઐતિહાસિક બની રહેશે.
હાલમાં જ ગુજરાતની બે બેઠકો સાબરકાંઠા અને વડોદરા બેઠક પરથી લોકસભામાં જાહેર કરેલા બે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી દ્વારા બદલવામાં આવ્યા છે. ત્યારે પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે વડોદરા અને સાબરકાંઠા બેઠક પર કાર્યકર્તાઓની અપેક્ષા હતી એટલા માટે બન્ને ઉમેદવારો રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરને બદલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વભાવીક રીતે જ ભાજપની દરેક બેઠક ઉપર 10થી વધારે દાવેદારો હોય છે. ત્યારે પક્ષના જે કાર્યકરને અપેક્ષા હોય કે મને ટીકીટ મળશે તે સ્વભાવીક પણે લોબીંગ કરતા હોય છે. પરંતુ બન્ને બેઠક પર કાર્યકર્તાઓનો મત લઈને ઉમેદવાર બદલવામાં આવ્યા છે. આ દરમિયાન કોઈપણ કાર્યકર્તા દ્વારા અસિસ્ત કરવામાં આવી નથી. ભાજપ એક શિસ્તબંધ પાર્ટી છે અને જો કોઈપણ કાર્યકર ટીકીટ માટે શિસ્ત તોડે તો ભાજપ તેની સામે પગલા લેશે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે, જ્યારે પણ આવો અણગમો હોય ત્યારે કાર્યકર્તાઓને સમજાવી લેવામાં આવે છે અને સમજાવવા બાદ કાર્યકર્તાઓનો વિરોધ ઉમેદવારના ટેકામાં ફેરવાઈ જતોં હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા બેઠક ઉપર પહેલા જાહેર કરેલ ઉમેદવાર ભીખાજી ઠાકોરને બદલવામાં આવતા હજુ પણ વિરોધ યથાવત છે અને નવા જાહેર કરેલા ઉમેદવાર હજુ પણ સાબરકાંઠાના કાર્યકરોમાં અણગમો ફેલાયેલો છે.
પરસોત્તમ રૂપાલાને આયાતી ઉમેદવાર ગણવા એ રાજકોટની સંકુચિતતા કહેવાય
રાજકોટ અને પોરબંદર બેઠક પર કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના નામની જાહેરાત થતાં જ કાર્યકરોમાં અંદરો અંદર ગણગણાટ હતો કે બન્ને જગ્યાએ કોઈ સ્થાનિક નેતાની જગ્યાએ આયાતી ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. આ અંગે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, રાજકોટ એ એવી બેઠક છે કે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ધારાસભાની ચૂંટણી લડીને મુખ્યમંત્રી બન્યા હતાં અને બાદમાં દેશના વડાપ્રધાન પદે સતત ત્રીજી ટર્મ ચુંટાવાના છે. રાજકોટ બેઠક વડાપ્રધાન મોદી માટે આટલી મહત્વની હોય ત્યારે રાજકોટ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર આયાતી હોય તેવો કોઈ પ્રશ્ર્ન જ ઉપસ્થિત થતો નથી 26 એ 26 બેઠકો જીત્યા બાદ ગુજરાતમાં કોઈ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર આયાતી હોય તે માનવું સંકુચિતતા ગણાય.
મહિલાનું અપમાન કરે એ ધારાસભ્ય હોય તો પણ પગલા લેવાશે
સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવાર ભીખાજી ઠાકોર બદલાતા તેના સમર્થકોએ રજૂઆત કરતા ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ આદીવાસી મહિલાને જાહેરમાં ગાળો ભાંડી હોવાના મામલે પ્રદેશ પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી આદીવાસી નહીં પરંતુ દરેક મહિલાના સન્માન કરતી પાર્ટી છે. દેશના રાષ્ટ્રપતિ પણ એક આદીવાસી મહિલા છે અને કોઈપણ મહિલાનું અપમાન ભાજપ ચલાવી લેશે નહીં આ અંગે અમે ધારાસભ્ય રમણલાલ વોરાનો પણ જવાબ માંગીશું અને તેમની ભુલ હશે તો ધારાસભ્ય હોય તો પણ તેમની સામે શિસ્તભંગના પગલા લેવામાં આવશે.