પાંચ મહિલા હોમગાર્ડ ઉપર રિક્ષાચાલકનો એસિડ એટેક
કલોલની છત્રાલ ચોકડીએ પોલીસ સાથે માથાકૂટ બાદ અડધો કલાક પછી ધસી આવેલા રિક્ષાચાલકે બોટલમાંથી એસીડ ફેંક્યુ, આરોપી ઝડપાયો
કલોક તાલુકાના છત્રાલ ગામે એસીડ એટેકની ઘટના બનતા સનસનાટી મચી ગઈ છે. ટ્રાફિક નિયમન કરતા મહિલા હોમગાર્ડ અડચણરૂપ ઉભેલી રીક્ષાને હટાવી લેવાનું કહેતા રીક્ષા ચાલક સાથે થયેલી માથાકુટ બાદ રીક્ષા ચાલકે જાહેરમાં રસ્તા ઉપર ફરજ ઉપર રહેલ પાંચ મહિલા હોમગાર્ડ ઉપર એસીડ એટેક કરતા પાંચેયને સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રવિતેજા વાશમ શેટી સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. આ બનાવમાં સંડોવાયેલ રિક્ષા ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં ફરજ બજાવી રહેલી મહિલા હોમગાર્ડ ભાવનાબેન ઉપર પર રિક્ષાચાલકે અશોક રાવતે એસિડ ફેંકી હુમલો કર્યો હતો. ટ્રાફિક નિયમનના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને રિક્ષાચાલક અશોક અડધો કલાક બાદ એસિડનો બાટલો ભરીને પાછો આવ્યો હતો અને ભાવનાબેન પર હુમલો કરી ફરાર થઈ ગયો હતો. આ હુમલામાં પાંચ જેટલી મહિલા હોમગાર્ડને ઈજા પહોંચી છે, જેમાં એક મહિલાના મોઢાના ભાગે એસિડ પડતાં તે ગંભીર રીતે દાઝી ગઈ છે. બનાવ બાદ રિક્ષા ચાલક અશોક રાવતને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. ઘટના કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે બની હતી, જ્યાં હોમગાર્ડ ભાવનાબેન સહિતનો સ્ટાફ ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે અશોક રાવતે રિક્ષા આડી ઉભી હોવાથી, ફરજ પર હાજર મહિલા હોમગાર્ડે રિક્ષાચાલકને રિક્ષા યોગ્ય જગ્યાએ લેવાનું કહ્યું હતું. આ સામાન્ય વાતથી રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે એક મહિલા હોમગાર્ડ સાથે બોલાચાલી કરી હતી.
પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં અન્ય હોમગાર્ડના જવાનો ત્યાં આવી પહોંચ્યા હતા અને રિક્ષાચાલક અશોક રાવતને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. પોલીસે તેને સમજાવીને છોડી મૂક્યો હતો, અને મહિલા હોમગાર્ડ ફરીથી પોતાની ફરજ પર પરત ફર્યા હતા.
રિક્ષાચાલક અશોક રાવતના મનમાં આ બાબતનો રોષ હતો. પોલીસ મથકેથી છૂટ્યા બાદ અ શોક બદલો લેવા અડધો કલાક બાદ, હાથમાં એસિડનો બાટલો લઈને ફરીથી છત્રાલ ઓવરબ્રિજ નીચે પહોંચ્યો, જ્યાં મહિલા હોમગાર્ડ ભાવનાબેન ત્યાં હાજર હોય તે કશુ સમજે તે પહેલા જ એસીડ એટેક કરવામાં આવ્યો હતો.
એસીડ વડે હુમલો કરી અશોકે બાટલામાં રહેલું એસિડ હોમગાર્ડ પર ફેંકવાનું શરૂૂ કર્યું, જેનાથી મહિલાઓ ગભરાઈને બચવા માટે ભાગવા લાગી હતી.
આ જીવલેણ હુમલામાં પાંચ જેટલી મહિલા હોમગાર્ડને શરીરે ઈજાઓ પહોંચી હતી. સૌથી ગંભીર ઈજા એક મહિલાને થઈ હતી, જેના મોઢાના ભાગે એસિડ પડતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. દાઝી ગયેલી મહિલા હોમગાર્ડને તાત્કાલિક સારવાર માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સામાન્ય રીતે દાઝેલી અન્ય હોમગાર્ડને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હુમલો કર્યા બાદ રિક્ષાચાલક ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.