મલ્ટિ ટેલેન્ટ દ્વારા અનેક ઇવેન્ટનું મેનેજમેન્ટ કરી સફળતા મેળવી
જુદા જુદા ફંક્શનમાં અત્યારે ગેમ્સ,પેન્ટિંગ, પરફ્યુમ મેકિંગ, પોર્ટ્રેટ મેકિંગ, મહેંદી કાર્નિવલનો ટ્રેન્ડ છે: રીમા શાહ
મેનેજમેન્ટ સ્કીલ ગોડ ગિફ્ટ હોવાથી કુટુંબ કે સ્નેહીજનોના પ્રસંગમાં જવાબદારી રીમાબેનના ખભે આવતી જે તેઓ હોંશે હોંશે નિભાવતા
નિકિતાની ફ્રેન્ડના દીકરાના લગ્નને 15 દિવસની વાર હતી ત્યારે અજાણ્યા ફોન નંબર પરથી ફોન આવે છે અને લગ્નમાં કેટલા લોકો આવશો?ક્યારે આવશો? તેની માહિતી તથા હોટેલ બૂકિંગ માટે આઈડી પ્રૂફ પણ મોકલવાનું જણાવે છે. આપણે જેની સાથે આત્મીયતાનો વ્યવહાર ન હોય ત્યારે આવી માહિતી આપવી જરાક ગમે નહીં. પરંતુ વર્તમાન સમયમાં ઇવેન્ટ મેનેજમેન્ટ તમારુ દરેક કામ આંગળીના ટેરવે કરી આપે છે. મહેમાનોના આગમન, તેમને ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા, હોટલ રૂૂમ બુકિંગ, રૂૂમમાં હેમ્પર મૂકવા તેમજ રિટર્ન ગિફ્ટ સુધીની જવાબદારી ઇવેન્ટ મેનેજમેન્ટ કરી આપે છે. હવે આ ક્ષેત્રમાં મહિલાઓએ પણ ઝંપલાવ્યું છે ત્યારે એમ થાય કે એક સમયે ઘરમાં દરેક પ્રસંગનું મેનેજમેન્ટ કરતી મહિલાઓ માટે આ ઇવેન્ટ મેનેજમેન્ટની કામગીરી સરળ છે.
મહિલાઓ આ કામ શ્રેષ્ઠ રીતે કરી શકે એ વાત સાબિત કરે છે અમદાવાદના રીમા શાહ.તેઓના પોતાના નામ પરથી રીમા શાહ ઇવેન્ટ મેનેજમેન્ટ ચલાવે છે.આજકાલ લગ્નના ટ્રેન્ડ વિશે તેઓ જણાવે છે કે અમુક લગ્નમાં પાણીની જેમ પૈસાની રેલમછેલ હોય છે પરંતુ એવું જરૂૂરી નથી કે વધુ પૈસા ખર્ચો તો જ વધુ સારી ફેસિલિટી મળે.હું દરેક લોકોના બજેટ મુજબ ઇવેન્ટ ગોઠવી આપું છું એટલું જ નહીં જ્યાં ઓછા ખર્ચે કામ પતી જતું હોય ત્યાં પૈસાનો બગાડ નથી કરતી.વેડિંગ હોય,બુક લોન્ચિંગ હોય કે પછી કોઈ પણ પ્રસંગ હોય રીમાબેન જ્યારે જવાબદારી સ્વીકારે ત્યારે તે પ્રસંગ ખાસ બની જાય છે. ઇવેન્ટ મેનેજમેન્ટમાં આજે તેમનું આગવું નામ છે.અમુક પ્રસંગમાં પૈસા માટે કોઈ મર્યાદા નથી હોતી આમ છતાં તેઓએ માતા-પિતાને ત્યાં સ્ટ્રગલ જોઈ છે તેથી પૈસાનો બગાડ તેઓને ગમતો નથી. મની મેનેજમેન્ટ અને ટાઈમ મેનેજમેન્ટના તેઓ આગ્રહી છે.
તેઓએ શાળા-કોલેજનો અભ્યાસ અમદાવાદમાં કર્યો. ભણવાની સાથે સાથે ડ્રોઈંગ અને આર્ટનો ખૂબ જ શોખ હતો.કલા દેવીના જાણે આશીર્વાદ હોય તેમ બ્રાઇડલ મહેંદી,મેરેજ ડેકોરેશન,રૂૂમ ડેકોરેશન,છાબ ડેકોરેશન વગેરે કરતા.90ની સાલમાં મહેંદીમાં ફિગર,ડોલી વગેરેની શરૂૂઆત તેઓએ કરી હતી. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું કે તરત જ લગ્ન થયા. ચાર પાંચ વર્ષ ઘરની જવાબદારી સંભાળી ત્યારબાદ ફરીથી પ્રવૃત્ત બન્યા. ગેરુ, મિરર, થ્રેડ વર્કથી, નાડાછડી બાંધણી, મિરરથી વોલ પેન્ટિંગ કરતા પર્સનલાઈઝ છાબ કરી આપતા. મેનેજમેન્ટ સ્કીલ ગોડ ગિફ્ટ હોવાથી કુટુંબ કે સ્નેહીજનોના પ્રસંગમાં જવાબદારી રીમાબેનના ખભે આવતી જે તેઓ હોંશે હોંશે નિભાવતા.તેમની આ આવડત તેઓને પોતાના બિઝનેસમાં પણ કામ આવી. એકલા હાથે તેઓ દરેક પ્રસંગ મેનેજ કરી શકે છે.
પેન્ટિંગ સારું હોવાથી અમદાવાદના ‘કોફી વીથ ક્રિયેટિવિટી’ ગ્રૂપમાં જોડાયા અને કોરોના સમયે ફરી પેન્સિલ પકડી અને કોરોનાના સમયમાં 1000 જેટલા પેન્ટિંગ કર્યા. તેઓને માણસોને મળવું ખૂબ જ ગમે છે. માણસના વર્તનનું બારીકાઈથી નિરીક્ષણ કરતા રહે છે. કોઈ વ્યક્તિની કોઈ વાત, વર્તન ન ગમે તો પણ નોંધ લે અને જે પોતાને નથી ગમ્યું તે વર્તન પોતાનાથી પણ ન થાય તેનું ધ્યાન રાખે છે.પોતાના લાગણીશીલ સ્વભાવના કારણે અન્યને મદદ કરવી તેઓને ગમે છે બાળકો-મહિલાઓ અને ગુજરાતી સાહિત્ય માટે કામ કરતા સમર્પણ ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી છે.
‘સંઘર્ષનું સરનામું’ અને ‘અનોખી સફર’ આ બે પુસ્તકો જેમાં મહિલાઓની સફળ અને સંઘર્ષની કહાની લખવામાં આવી છે. સ્પર્શ ફાઉન્ડેશન,જાગૃતિ મલ્ટિ ટ્રેડ અને મિત્રય સ્પિરિચ્યુલ ક્લબમાં ઇવેન્ટ કોર્ડિનેટર તરીકે જવાબદારી નિભાવે છે. ફેબ્રુઆરી મહિનામાં તેઓએ 11 બહેનોના સમૂહ લગ્ન કરવાનું બીડું ઉઠાવ્યું છે, જેમાં ફક્ત બહેનો જ મળીને પ્રસંગ પાર પાડશે. રીમાબેનની દીકરી આર્કિટેક્ટ છે અને દીકરો કેનેડા ભણે છે પતિને કમ્પ્યુટરનો બિઝનેસ છે. તેઓને નવી જનરેશન પાસેથી નવું નવું શીખવું ગમે છે. પતિ અને પરિવારનો તેઓને દરેક ડગલે સાથ મળે છે તેથી વધુ ઉત્સાહથી કામ કરવાનો ઉમંગ છે. ભવિષ્યના અનેક સપનાઓ અને યોજનાઓ વિશે જણાવ્યું કે, "હું અનેક એનજીઓ સાથે સંકળાયેલ છું. ઘણી ઇવેન્ટ સફળતાપૂર્વક કરી છે, સમાજે ઘણું આપ્યું છે તો મારે પણ સમાજને પાછું આપવું એવી ઈચ્છા છે ભવિષ્યમાં ખૂબ મોટી ઇવેન્ટ કરવાની ઈચ્છા છે જ્યાં બધા જ વિષયોના, બધા જ ક્ષેત્રના લોકો સાથે મળીને પોતાની કલા પ્રસ્તુત કરી શકે.” રીમાબેન શાહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દરેક ચેલેન્જને સ્વીકારો
પોતાના અનુભવ વિશે તેઓએ જણાવ્યું કે, જ્યારે કોઈ ઇવેન્ટની જવાબદારી આવે ત્યારે ત્રણ પેઢી સામે હોય ત્યારે દરેકની પસંદગી ધ્યાનમાં રાખીને સજેશન કરવા પડે છે. હું મોટાભાગે બજેટ પ્રમાણે કામ કરું છું. અત્યારના સમયમાં ચાર કે પાંચ દિવસ લગ્ન ચાલે અને જો કોઈ અફોર્ડ ન કરી શકે તો તે એક દિવસમાં બે થી ત્રણ ફંકશન એક સાથે રાખવાનું સજેસ્ટ કરું છું. જુદા-જુદા ફંક્શનમાં અત્યારે ગેમ્સ,પેન્ટિંગ, પરફ્યુમ મેકિંગ,પોર્ટ્રેટ મેકિંગ રાખે છે.મહેંદી રસમના બદલે મહેંદી કાર્નિવલ કરે છે,જેમાં ડાન્સ સાથે જુદા-જુદા સ્ટોલ રાખવામાં આવે છે. ગમે તે રીતે ઇવેન્ટનું આયોજન કરો પરંતુ તમારા ક્લાયન્ટ તમારા કામથી ખુશ થવા જોઈએ.
‘કયા કહેંગે લોગ’ આ મેન્ટાલિટીમાંથી બહાર આવો
પોતાને થયેલ અનુભવો પરથી મહિલાઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે, ‘પોતાના માટે ટાઈમ કાઢો’ ઘરને સાચવવાની જવાબદારી તમારી છે પરંતુ એની સાથે પણ તમે તમારા ગમતા ખૂણાને શોધો. તમને તમારા પર આત્મવિશ્વાસ હશે તો ઘરના લોકોને પણ સમજાવી શકશો. ‘કયા કહેંગે લોગ’ આ મેન્ટાલિટીમાંથી બહાર આવો. તમારે તમારું સ્ટેન્ડ જાતે જ લેવું પડશે. દિવસનો એક કલાક તમારા પોતાના માટે કાઢો.
Written By: Bhavna doshi