પિતરાઇ ભાઇની હત્યા કરી લાશ ફેંકી દેવાના કેસમાં આરોપીને જન્મટીપ
જેતપુર શહેરની બળદેવધાર વિસ્તારમાં રહેતા દેવીપૂજક યુવાનને તેમના પિતરાઈ ભાઈ સાથે વેપાર ધંધાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ ધંધો ફરી શરૂૂ કરવાના બહાના હેઠળ બોલાવી તેની હત્યા કરી લાશ મૃતકના રહેઠાણ વિસ્તારની બાજુમાં જ ફેંકી દેવાના ચાર વર્ષ જુના બનાવનો કેસ જેતપુર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવનકેદની સજા ફટકારી હતી.
શહેરના બળદેવધાર વિસ્તારમાં રહેતો જીતુભાઇ લાખાભાઈ ડાભી નામનો દેવીપૂજક યુવાન પોરબંદર રહેતા પિતરાઈ ભાઈ બાલી ઉર્ફે મહેશ સાથે વાળ ખરીદ-વેચાણનો ધંધો કરતો હતો. આ દરમિયાન ધંધામાં ખોટ આવી જેથી ધંધો બંધ કરવો પડ્યો. એક લાખની ખોટમાં જીતુને 50 હજાર રૂૂપિયા મહેશને ચૂકવવાના થતાં હતા. જે 50 હજાર જીતુએ મહેશની સગી બેન અને પોતાની પિતરાઈ બહેન જે બાવડાવડર ગામે સાસરે છે તે મુનીબેન પાસેથી ઉછીના લઇ મહેશને આપેલ. પોતાની બેન પાસેથી જીતુએ ઉછીના પૈસા લઈ પોતાને આપ્યા હોવાની જાણ મહેશને થતા તે ગુસ્સે ભરાયો અને હવે બેનના પૈસાની ઉઘરાણી જીતુ પાસે સતત કરવા લાગ્યો હતો.
જેથી મહેશે આ વાતનો ખાર રાખી નવો ધંધો શરૂૂ કરવાના બહાના હેઠળ જીતુને ધોરાજી ગામ પાસે 29 ઓક્ટોબર 2021ના રોજ બોલાવ્યો હતો. અને બે દિવસ બાદ 1 નવેમ્બરે જીતુની પત્ની દીદીબેનને ફોન કરીને જણાવેલ કે, તારા પતિને મારી નાંખી તારા ઘર પાસે પુલ નીચે ફેંકી દીધો છે જોતો હોય તો લેતી આવ તેમ કહી પોતાનો મોબાઈલ ફરી બંધ કરી દીધેલ. મહેશના આવા ફોનથી જીતુના પરિવારજનો જીતુને શોધવા નીકળ્યા ત્યાં તેમના રહેણાંક વિસ્તાર બળદેવધારની બાજુમાં જ ધોરાજી બાયપાસ નેશનલ હાઈ વે પર રોડ કાંઠે જ આવેલ એક અવાવરું ખેતરમાં જીતુની લાશ પડી હતી.
હત્યાના આ બનાવનો કેસ એડિશનલ શેસન્સ કોર્ટના ચાલી જતા જજ એલ.જી ચુડાસમાએ સાંયોગીક પુરાવા, સાહેદોની જુબાની અને સરકારી વકીલ કેતન પંડ્યાની જોરદાર દલીલ આધારે આરોપી મહેશ ઉર્ફે બાલીને આજીવન કેદની સજા અને 6 હજાર રૂૂપિયાના દંડની સજા ફટકારી હતી.