આણંદ પાસે ટ્રક અને બસ વચ્ચે અકસ્માતમાં 6નાં મોત
ખાનગી બસમાં પંચર પડતાં ઊભી હતી ત્યારે પાછળથી ટ્રકે ટક્કર મારતાં સર્જાયો અકસ્માત, મહારાષ્ટ્રથી રાજસ્થાન જતી બસના 8 મુસાફરો ઘાયલ
વડોદરા અમદાવાદ એકસપ્રેસ હાઈવે પર આણંદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા છ લોકોના મોત થયા છે ત્યારે આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. મહારાષ્ટ્રથી રાજસ્થાન જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં પંચર પડતાં ટાયર બદલવાની કામગીરી કરાતી હતી ત્યારે પાછળથી આવેલા ટ્રકે આ ખાનગી બસને પાછળથી ઠોકર મારતાં રોડ ઉપર ઉભેલા મુસાફરો ઉપર બસનું ટાયર ફરી વળતાં છ મુસાફરોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે આઠથી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની મળતી વિગતો મુજબ, વડોદરા-અમદાવાદ એકસપ્રેસ હાઈવે પર આણંદ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મહારાષ્ટ્રની ખાનગી બસ રાજસ્થાન તરફ જતી હતી ત્યારે બસમાં પંચર પડતાં આણંદ પાસે હાઈ-વે પર બસ રોકવામાં આવી હતી અને બસનું ટાયર બદલાવવાની કામગીરી ચાલુ હતી. મુસાફરો નીચે ઉભા હતાં ત્યારે પાછળથી આવેલા ટ્રકે આ બસને ઠોકર મારી હતી. જેના કારણે બસ આગળ ઉભેલા મુસાફરો ઉપર ફરી વળી હતી અને ઘટના સ્થળે જ છ મુસાફરોના મોત થયા હતાં. તેમજ 8 થી વધુને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત બાદ હાઈ-વેપરનો ટ્રાફીક જામ થઈ જતાં ટ્રાફીક પોલીસ તાત્કાલીક દોડી ગઈ હતી અને ટ્રાફીક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. એકસપ્રેસ હાઈવે પર બનેલી આ ઘટનાથી વડોદરા અને અમદાવાદ વચ્ચે મોડી રાત સુધી ટ્રાફીક જામ રહ્યો હતો.