સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર એસ ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત: બે યુવતીનાં મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત અકસ્માતોની વણઝાર સર્જાઈ છે ત્યારે શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં રિવરફ્રન્ટ પર એસ.ટી બસ અને બાઇક વચ્ચે ગોઝારા અકસ્માતમાં 2 યુવતીઓના મોત નિપજ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 12 કલાકમાં અલગ અલગ અકસ્માતમાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પહેલા લીમડી નજીક અકસ્માત થતાં તેમાં 5 લોકોના મોત થયા હતા.
વઢવાણમાં પણ ટ્રકની અડફેટે આવી જતાં એક યુવકનું મોત નિપજ્યું છે. ત્યારબાદ રિવરફ્રન્ટ વિસ્તારમાં બાઇક પર યુવતીઓ પસાર થઈ રહી હતી તે દરમ્યાન એસટી બસ સાથે અકસ્માતની ઘટના બની હતી.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તેમના દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને યુવતીઓના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર અકસ્માત સર્જયો હોવાની જાણ થતાં જ એસ.ટી બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. પોલીસે એસ.ટી બસ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ડ્રાઈવરને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.