ઉત્તરાખંડની વરસાદી આફતમાં 136 ગુજરાતીઓ ફસાયા
સ્ટેટ ઇમરજન્સી ક્ધટ્રોલ રૂમ ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં; ચારને મેડિકલ સારવાર અપાઇ, ખરાબ હવામાનથી એર લીફ્ટિંગ પણ શકય નથી
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે અનેક ગુજરાતી ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ગુજરાત સરકારનો સ્ટેટ ઇમરજન્સી ક્ધટ્રોલ રુમ દ્વારા ઉત્તરાખંડ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરનો સંપર્ક કરીને ફસાયેલા નાગરિકોની માહિતી મેળવાઇ રહી છે.
મળેલી માહિતી મુજબ છેલ્લા ત્રણ દિવસથી ઉત્તરાખંડમાં ભારે વરસાદ છે અને વાદળ ફાટવાની પણ ઘટના બની છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન પણ થયા છે જેથી રસ્તા બંધ થઇ ગયા છે અને નદીઓમાં પણ ઘોડા પૂર આવ્યા છે પરિણામે ઉત્તરાખંડ ગયેલા અનેક લોકો ફસાયા છે.
અનેક ગુજરાતીઓ ઉત્તરાખંડમાં ફસાયા હોવાની જાણકારી છે પણ રાહતની વાત એ છે કે આ તમામ લોકો હાલ સલામત છે. વાતાવરણ સાફ થશે ત્યારે તેમને ત્યાંથી પરત લાવવાની કાર્યવાહી થઇ શકે છે.
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ક્ધટ્રોલરુમ દ્વારા ઉત્તરાખંડ સ્ટેટ ઈમરજન્સ સેન્ટરનો સતત સંપર્ક કરાઇ રહ્યો છે. મળેલી માહિતી મુજબ હારીજના 2 પરિવારના 12 સભ્યો ઉત્તરાખંડમાં ફસાયા છે જ્યારે ભાવનગરના 15, બનાસકાંઠા 10 લોકો ઉત્તરાખંડમાં ફસાયેલા છે તથા અમદાવાદના 99 લોકો પણ ઉત્તરાખંડમાં ફસાયેલા છે. ફસાયેલા નાગરીકોમાંથી મંદાકિની ગેસ્ટ હાઉસમાં 4ને મેડિકલ સારવાર અપાઈ છે. ગુજરાત સરકાર દ્વારા મેડિકલ સારવાર માટે વ્યવસ્થા કરાઇ છે. અત્યારે ખરાબ હવામાનથી હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટિંગ મુશ્કેલ છે જેથી રાજ્ય સરકારે સ્થાનિક પ્રશાસનની ગાઈડલાઈન અનુસરવા માટે અપીલ કરાઇ છે.
પાટણના એક જ પરિવારના 12 સભ્યો સુરક્ષીત
પાટણના હારીજનો રાવળ પરિવાર ઉત્તરાખંડ ફસાયો છે જેમાં એક જ પરિવારના 10 સભ્યો અને અન્ય 2 લોકોનો સમાવેશ થાય છે. તેઓ 1 ઓગસ્ટે મહેસાણાથી ચારધામની યાત્રાએ નીકળ્યા હતા અને ઋષિકેશ ગયા બાદમાં યમનોત્રી અને ત્યાંથી ગંગોત્રી આવ્યા હતા જ્યાં વાદળ ફાટતા એક દિવસ માટે પરિવારનો સંપર્ક તૂટ્યો હતો. ઋષિકેશથી રાવળ પરિવારે બે ગાડી ભાડે કરી હતી. જો કે ગાડી ચાલકનો સંપર્ક થતા પરિવાર સુરક્ષિત હોવાની જાણ થઇ હતી.