રાજકોટ-જામનગર હાઇવે ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 17 ઘાયલ
ધ્રોલ પાસે અકસ્માત બાદ ટ્રાફિક જામ સર્જાયો
રાજકોટ-જામનગર હાઇવે ઉપર ધ્રોલ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા 17 મુસાફરોને ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ રાજકોટ-જામનગર હાઇવે ઉપર ટ્રાફીક જામ થયો હતો. પોલીસે હાઇવે ઉપરનો ટ્રાફીક વ્યવહાર પુર્વવત કરાવતા કલાકો લાગ્યા હતા.
જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ સરમારીયા દાદાની જગ્યા પાસે આજે સવારના સમયગાળા દરમિયાન ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અંદાજે 17 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો સ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધ્રોલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ ધ્રોલ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દૃષ્ટિએ ટ્રક અને બસ વચ્ચેની ટક્કર ઝડપના કારણે સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.