OPS સ્વીકારી સરકાર ભેખડે ભરાઇ, હવે ફિકસ પે સામે ઉગ્ર આંદોલન
સોશિયલ મીડિયા ઉપર જબરી ઝુંબેશ, એક લાખ લોકોેએ ‘હેશટેગ’ પર વિરોધ વ્યકત કર્યો, વિપક્ષે પણ ઝુકાવ્યું
જૂની પેન્શન યોજનાની માગ પૂર્ણ કરીને સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપવાની લ્હાયમાં સરકારને ગળે ગાળિયો ભરાયો છે. હજુ તો સરકારી કર્મચારીઓને આનંદના સમાચાર મળે તે પહેલાં જ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાની માંગ બુલંદ બની છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર ફિક્સ પે પ્રથા નાબૂદ કરો એ ટોપ પર ટ્રેન્ડ થયુ હતું. આ ટ્રેન્ડમાં એક લાખ લોકોએ આ હેશટેગ પર પોસ્ટ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. આમ, સરકારી કર્મચારીઓના મનામણાં વચ્ચે ફિક્સ પગારદારો વિફર્યા છે.
ગુજરાતમાં છેલ્લા ઘણાં વખેતથી ફિક્સ પેસિસ્ટમ હટાવવા માંગ કરવામાં આવી રહી છે. મહત્ત્વની વાત એ છે કે, અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં સૌથી ઓછુ ફિક્સ વેતન આપવામાં આવી રહ્યુ છે. આ કારણોસર ફિક્સ પે પ્રથાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. માન્ય ભરતી બોર્ડમાં સ્પર્ધાત્મક પરીક્ષા ઉતિર્ણ કરી ઉમેદવાર નોકરી મેળવે છે. ત્યારે ફિક્સ પગારમાં પાંચ વર્ષનો સમય વ્યતિત કરવો પડે છે. નિયત પગારમાં નોકરી કરવાની હોઈ કર્મચારીને મોટું ઓર્થિક નુકશાન થાય છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા ગુજરાત હાઇકોર્ટે ચુકાદા આપ્યો હતો. ત્યારે આ આદેશને પડકારી રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. હજુય આ કેસ સુપ્રિમમાં છે. ત્યારે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ ડ પર પોસ્ટ કરીને લખ્યું કે, ડબલ એન્જિનની સરકાર ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને ગુજરાતના યુવાઓને શોષણમાંથી મુક્તિ આપે, સરકાર સરકાર સુપ્રિમ કોર્ટમાંથી કેસ પાછો ખેંચે.
સોશિયલ મીડિયામાં ફિક્સ પે પ્રથા નાબૂદીનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. ડપર ટોપ પર ટ્રેન્ડ થયુ હતુ. એક લાખ લોકોએ હેશટેગ પર પોસ્ટ કરી વિરોધ દર્શાવ્યો હતો. ફિક્સ પગારદારોને એવુ હતુ કે, રવિવારે (છઠ્ઠી ઓક્ટોબર) કેબિનેટની બેઠકમાં ફિક્સ પગારદારોની સમયઅવિધ ઘટી શકે છે તેવો નિર્ણય લેવાશે પણ આ વાત અફવા સાબિત થઈ હતી. માત્ર વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે તેવી જાહેરાતના પગલે ફિકસ પગારદારો વિફર્યા હતાં.
બીજી તરફ આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ એવો પડકાર ફેંક્યો કે, સરકારમાં તાકાત હોય તો ફિક્સ પે પ્રથા નાબૂદ કરે, જો આનિર્ણય લેવાશે તો હું જાહેરમાં અભિનંદન પાઠવીશ. આમ, જૂની પેન્શન યોજનાનો લાભ અપાવવાની લ્હાયમાં સરકારને ગળે હાડકુ ભરાયુ છે. હવે ફિક્સ પે પ્રથા નાબૂદીના મુદ્દે સરકાર સામે મોટું આંદોલન થાય તો નવાઈ નહીં.
ઘણાં વખતથી જૂની પેન્શન યોજના ઉપરાંત ફિક્સ પે પ્રથા સહિત અન્ય પડતર પ્રશ્નો મુદ્દે સરકાર અને સરકારી કર્મચારીઓ વચ્ચે મડાગાંઠ સર્જાઈ હતી. રવિવારે રજાના દિવસે અચાનક કેબિનેટની બેઠક બોલાવી સરકારે વર્ષ 2005 પહેલાં ભરતી થયેલાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપી દિવાળી ગિફ્ટ આપી છે. પરંતુ હજુય સરકારી કર્મચારીઓ સરકારના આ નિર્ણયથી રાજી નથી.
21મીએ બેઠક
ગુજરાત કર્મચારી મહામંડળના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલનું કહેવું છે કે, મોટાભાગના કર્મચારીઓ જૂની પેન્શન યોજનાથી વંચિત રહ્યા છે. સરકારે તાકીદે કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો જોઈએ કેમકે, લાખો કર્મચારીઓ આ લાભથી વંચિત છે. આગામી 21મી ઓક્ટોબરે કર્મચારી મહામંડળની બેઠક મળવા જઈ રહી છે. જો સરકાર આ માંગણીને નહી સ્વીકારે તો રાજ્યભરમાં આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવામાં આવશે