સાગઠિયાના કાર્યકાળમાં બનેલી ટીપી સ્કીમો રદ કરો
સમગ્ર તપાસ ઉંડાણપૂર્વક કરવા માગણી: કોંગ્રેસે કલેક્ટરને આપેલું આવેદન
રાજકોટના નાનામૌવા નજીક ટીઆરપી અગ્નિકાંડે કોર્પોરેસનની ટીપી શાખામાં ભ્રષ્ટાચારોની પોલ ખોલી નાખી છે ત્યારે અગ્નિકાંડમાં સંડોવાયેલા ટીપીઓ સાગઠિયાની ધરપકડ થયા બાદ તેની પાસેથી 28 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી. જે અંગે તપાસ ચાલી રહી છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારી ટીપીઓ સાગઠિયાએ તેના કાર્યકાળમાં તૈયાર કરેલી ટીપી સ્કીમો રદ કરવાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટીપી સ્કીમની ઉંડાણપૂર્વક તપાસ કરવા પણ રજૂઆત કરી છે.
રાજકોટના નાનામૌવા નજીક ટીઆરપી ગેમઝોનમાં સવા મહિના પહેલા લાગેલી આગમાં 27 લોકો બળીને ખાખ થઈ ગયા હતાં. આ અગ્નિકાંડે મહાનગરપાલિકા અને પોલીસ અધિકારીઓની ભ્રષ્ટ નીતીની પોલ ખોલી નાખી હતી. જેમાં ટીપીઓ સાગઠિયા સહિતના અધિકારીઓની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ સાગઠિયા પાસેથી 28 કરેડની બેનામી મિલ્કત મળી આવતા તેની સામે અલગથી ગુનો દાખલ કરાયો હતો.
ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠિયાએ પોતાના કાર્યકાળમાં બેફામ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું એન્ટીકરપ્શન બ્યુરોની તપાસમાં બહાર આવ્યું છે ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ડો. રાજદીપસિંહ જાડેજા, જશવંતસિંહ ભટ્ટી, નરેન્દ્ર સોલંકી, બ્રિઝરાજસિંહ રાણા સહિતના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ટીપીઓ સાગઠિયાના કાર્યકાળમાં જેટલી ટીપી સ્કીમ તૈયાર કરવામાં આવી છે તે તમામ ટીપી સ્કીમો રદ કરવાની માંગણી કરી છે.
આવેદનમાં વધુ જણાવ્યું હતુ ંકે, મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી ટીપીઓ સાગઠિયાએ ઉચ્ચકક્ષાના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો સાથે મળીને બેફામ ભ્રષ્ટાચાર આદર્યો છે. ત્યારે ટીપી સ્કીમની પણ ઉંડી તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. કાયદાથી ઉપરવટ જઈને ટીપીઓ સાગઠિયાએ રાજ્ય સરકારને અંધારામાં રાખી સ્થાપિત હિતોની રખેવાલી કરવા ટીપી બનાવેલ હોવાનું અને જે જે ટીપી સ્કીમ ભ્રષ્ટાચાર આદરીને બનાવી છે. તે તમામ ટીપી સ્કીમો કાયદાની જોગવાઈ મુજબ રદ થવાને પાત્ર છે.