રિસામણે બેઠેેલી સગર્ભાની સીમંત વિધિ ટલ્લે ચડે તે પૂર્વે સમાધાન કરાવતી અભયમ
જેતપુર પંથકની ઘટના; દંપતીનું કાઉન્સેલિંગ કરાવી સુખદ સમાધાન કરાવનાર 181ની ટીમનો પરિવારે આભાર માન્યો
જેતપુર પંથકમાં ગાન્ધર્વ લગ્ન કરનાર દંપતિ વચ્ચે ઝઘડો થતાં સગર્ભા રિસામણે ચાલી ગઈ હતી. રિસામણે બેઠેલી સગર્ભાની શ્રીમંત વિધી ટલ્લે ચડે તે પૂર્વે જ ટીમ અભયમે દંપતિનું કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યું હતું. 181 મહિલા હેલ્પલાઈનની ટીમની કામગીરીને પરિવારે બિરદાવી આભાર વ્યકત કર્યો હતો.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, જેતપુર પંથકમાં ગાન્ધર્વ લગ્ન કરનાર દંપતિ વચ્ચે ઝઘડો થતા સાત મહિનાનો ગર્ભ ધરાવતી સગર્ભા માવતરે રિસામણે ચાલી ગઈ હતી. પાંચ દિવસથી રિસામણે બેઠેલી પરિણીતાએ શ્રીમંત પ્રસંગ અંગે વ્યવસ્થા કઈ રીતે કરવી તે અંગે પતિને ફોન કર્યો હતો. પરંતુ પતિએ યોગ્ય પ્રત્યુતર નહીં આપતાં સગર્ભાએ શ્રીમંત વિધી ટલ્લે ચડી જવાની દહેશતે 181 મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી. જાણ થતાં જ જેતપુર લોકેશન કાર્યરત 181ની ટીમના કાઉન્સેલર ભૂમિબેન કુવાડીયા, કોન્સ્ટેબલ આરતીબેન અને પાયલોટ પિયુષભાઈ મદદે પહોંચ્યા હતાં. જ્યાં પહોંચી ટીમ અભયમે સગર્ભાનું કાઉન્સેલિંગ કરતાં પતિ અવારનવાર નજીવા પ્રશ્ર્ને ઝઘડા કરી બિભત્સ ગાળો ભાંડી મારકુટ કરતાં હોવાનું સગર્ભાએ જણાવ્યું હતું.
બાદમાં ટીમ અભયમે સગર્ભા અને તેના પતિનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપી દંપતિ વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું. શ્રીમંત વિધી ટલ્લે ચડે તે પૂર્વે જ ટીમ અભગમે દંપતિનું પુન:મિલન કરાવી દંપતિ વચ્ચેના ઝઘડાનું નિરાકરણ કરતાં સગર્ભા અને તેના પરિવારજનોએ તેમ અભયમનો આભાર વ્યકત કર્યો હતો.