અબકી બાર 600 પાર, તહેવારોમાં ફાફડા-જલેબીમાં ભાવવધારો
ફરસાણના વિક્રેતાઓ દ્વારા ઠેર ઠેર તાવડા મંડાયા: રાજકોટમાં 100-100 કિલો જલેબી-ફાફડા વેચવાનો અંદાજ: રાજ્યભરમાં 50 કરોડનો વેપાર થવાનો અંદાજ : ભાવમાં રૂા. 100નો વધારો
આજે રાતે ખેલૈયાઓ અંતિમ નોરતાએ મનભરીને ગરબે ઝુમશે અને આવતીકાલે રાજ્યભરમાં વિજ્યાદશમીની ઉજવણી ફાફડા અને જલેબીનો સ્વાદમાણી કરાશે. ગુજરાતમાં દર વર્ષની પરંપરા મુજબ જ ફાફડા અને જલેબી આરોગી જ ઉજવણી કરાશે આ વર્ષે મોંઘવારી વધી છે અને તેલ-ઘીના ભાવ પણ આસમાને આંબી જતાં ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે આ વર્ષે આવતી કાલે એક જ દિવસમાં રાજ્યભરમાં આશરે રૂા. 50 કરોડના ફાફડા-જલેબીનો સ્વાદ માણશે. ફરસાણના વેપારીઓ દ્વારા ઠેર ઠેર કાઉન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જલેબી પ્રતિ કિલો રૂા. 500થી રૂા. 700 અને ફાફડા રૂા. 650 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
ફાફડા જલેબીનું એડવાન્સ બુકિંગ રાજકોટ શહેરમાં દશેરા નિમિત્તે રાજકોટવાસીઓ હજારો કિલો ફાફડા જલેબી આરોગી દશેરાના પર્વની ઉજવણી કરશે. રાજકોટની વર્ષો જૂની લાબેલા ગાંઠિયા દુકાનના વેપારી દેવાંગ ગોંધિયાએ જણાવ્યું હતું કે, દશેરા નિમિત્તે રાજકોટવાસીઓ ફાફડા જલેબી આરોગતા હોય છે. 400 રૂૂપિયા કિલો ફાફડા અને 400 રૂૂપિયા કિલો જલેબીનું વેચાણ કરવામાં આવશે. અને અત્યારથી જ સોસાયટી, એપાર્ટમેન્ટ સહિત અલગ અલગ જગ્યાએ સમૂહમાં એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે દશેરા પર્વ પર અમારી દુકાન પર અંદાજિત 100 કિલોથી વધુ ફાફડા અને 100 કિલોથી વધુ જલેબીનું વેચાણ થવાની શક્યતા છે. જ્યારે રાજકોટમાં અન્ય ફરસાણના વેપારીઓ દ્વારા 450થી 500 રૂૂપિયા કિલોના ભાવે ફાફડા અને 500થી 700 રૂૂપિયા કિલોના ભાવે જલેબીનું વેચાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ફાફડા જલેબીની ફરસાણની નાની મોટી એક હજારથી વધુ દુકાનો અને લારીઓ આવેલી છે. જ્યાંથી રાજકોટવાસીઓ 10,000 કિલોથી વધુ ફાફડા જલેબી આરોગે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં 12થી 15 ટકાનો વધારો આવ્યો છે. કારણ કે, જલેબી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચોખ્ખા ઘીનો ભાવ તથા ચણાના લોટ સહિતની કાચી સામગ્રીના ભાવમાં વધારો થયો હોવાથી આ વર્ષે ફાફડા જલેબીના ભાવ પણ વધ્યા છે. એટલે કે, ગુજરાતીઓના ફાફડા જલેબી ખાવાનો રિવાજ તેમના ખિસ્સા ઉપર ભારે પાડી શકે છે. આ વર્ષે ફક્ત ઓસવાલ સ્વીટ માર્ટ દ્વારા 800થી 1000 કિલો ફાફડા અને 400થી 500 કિલો જલેબીનું વેચાણ થાય તેવી શક્યતાઓ છે. સમગ્ર અમદાવાદીઓ આ વર્ષે નાના મોટા સ્ટોલના વેચાણ દ્વારા લગભગ 40થી 45 હજાર કિલો ફાફડા ઝાપટી જાય તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓસવાલ સ્વીટ માર્ટમાં ફાફડાનો પ્રતિ કિલો દીઠ ભાવ રૂૂપિયા 1,080 અને જલેબીનો ભાવ પ્રતિ કિલો દીઠ રૂૂપિયા 1200 છે. આ સિવાય શહેરની અન્ય દુકાનોમાં ફાફડાના પ્રતિ કિલો દીઠ ભાવ 450થી 600 રૂૂપિયા સુધી અને જલેબીનો ભાવ રૂૂપિયા 600થી 800 સુધીના છે.છેલ્લા છ મહિનામાં ચણાના લોટ અને તેલના ભાવમાં વધારો થવાને કારણે ફાફડા અને જલેબીના ભાવમાં વધારો થયો છે, ત્યારે આ વર્ષે સુરતીઓ 20 હજાર કિલો ફાફડા જલેબી આરોગે તેવો અંદાજ છે. ફાફડા અને જલેબીના વિક્રેતા હિતેશ નાયકાએ જણાવ્યું હતું કે, 400 રૂૂપિયા કિલો મળતા ફાફડા આ વર્ષે 500થી લઇને 550 રૂૂપિયા પ્રતિ કિલો સુરતીઓને મળશે. જ્યારે જલેબીના ભાવમાં પણ 30 રૂૂપિયાનો વધારો કરાયો છે. જેથી જલેબીનો ભાવ 650 રૂૂપિયા પ્રતિ કિલોનો છે.
ગત વર્ષે કિલોના ભાવ 500 રૂૂપિયા હતા. લોકો એડવાન્સ બુકિંગ પણ કરાવી રહ્યા છે. તેલ, ઘી, ખાંડ, ચણાના લોટના ભાવમાં વધારો થયો છે. તેના કારણે ફાફડા અને જલેબીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.વરસાદી વાતાવરણ વચ્ચે હાલ ગ્રાહકો ઓછા છે આ અંગે ફરસાણની દુકાનના માલિક શેનાભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે, ગત વર્ષે ફાફડાની કિંમત 450 રૂૂપિયા કિલો હતી. આ વખતે 500 રૂૂપિયા કિલોની આસપાસ ફાફડા વેચાઈ રહ્યા છે. જેવી માગ હોય તે પ્રમાણે અમે ગરમ ગરમ ફાફડા બનાવીને ગ્રાહકોને આપતા હોઇએ છીએ. જલેબીના ભાવમાં બહુ મોટો ફેરફાર નથી, હાલમાં અમે 280 રૂૂપિયા કિલો વેચી રહ્યા છીએ અને દશેરાના દિવસે શુદ્ધ ઘીમાં બનાવેલી જલેબી જોઇતી હોય તો 550 રૂૂપિયા કિલો અમે વેચીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, વરસાદી વાતાવરણ વચ્ચે હાલ ગ્રાહકો ઓછા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે થોડું વેચાણ ઓછું છે.