AAP પાર્ટીએ દિગ્ગજ ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, પક્ષ વિરોધી ગતિવિધિનો આરોપ
બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને AAPમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીએ પક્ષવિરોધી ગતિવિધિનો આરોપ લગાવ્યો છે. આ અંગે પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. અગાઉ ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપ્યું હતું.
બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા AAP પાર્ટી સામે બાંયો ચડાવતાં આજે દંડક અને જોઇન્ટ સેક્રેટરી સહિતના તમામ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પાર્ટીએ કડક કાર્યવાહી કરી અને ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે અને પાર્ટી પક્ષવિરોધી ગતિવિધિઓનો આરોપ લગાવ્યો છે.
AAPના ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે ધારાસભ્યપદેથી રાજીનામાનો નિર્ણય જનતાને પૂછીને કરીશ. પછાત સમાજના નેતાને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવાય છે. પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે. દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે. દંડક અને AAPના રાષ્ટ્રીય માળખામાં પણ સેવા આપી છે. રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ રાજીનામું આપ્યું છે. AAPના કાર્યકર તરીકે કાર્યરત રહીશ. ગોપાલ ઈટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઉતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે. કારણ કે એ દલિત સમાજના હતા.
ઉમેશ મકવાણાએ વધુમાં કહ્યુ કે જનતાને પૂછીને નિર્ણય કરીશ કે AAPના ધારાસભ્યપદેથી રાજીનામું આપીશ કે નહીં. અને જો આપીશ તો અપક્ષ લડીશ કે નવી પાર્ટી બનાવીશ એ આગામી સમયમાં નક્કી કરીશ. ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરીશ.