મનપામાં રજુઆત કરવા ગયેલા આપના નેતાનું હાર્ટએટેક બાદ સારવારમાં મોત
ગઇકાલે રાજકોટ મનપામાં રજુઆત કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાને હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં આજે સારવાર દરમિયાન દમ તોડયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાથી પરિવારજનો અને પક્ષના કાર્યકરોમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી વિગત મુજબ રાજકોટમાં માતેલા સાંઢ જેવા ડમ્પરે વિદ્યાર્થીનીને કચડી નાખતા મોત નિપજયું હતું. જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે સહ સંગઠન મંત્રી વિજયસિંહ તખતસિંહ જાડેજા ગઇકાલે રાજકોટ મહાનગરપાલિકામાં ઉપરોકત ઘટના બાબતે કડક કાર્યવાહી કરવાની રજુઆત માટે ગયા હતા જયાં તેઓને અચાનક હૃદયરોગનો હુમલો આવતા પ્રથમ સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતું ઇન્જેકશનના અભાવના કારણે તેઓને ત્યાંથી શહેરની ખાનગી હોસ્પીટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અને સારવાર આપવામાં આવી રહી હતી ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ આજે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું છે.
આ ઘટનાના સમાચાર મળતા પક્ષના કાર્યકરો હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા અને શોકમાં રહેલા પરિવારજનોને શાંતવના પાઠવી હતી. આ ગંભીર બનાવ બનતા પ્રદેશ નેતાઓથી લઇ સ્થાનિક કાર્યકરોમાં પણ શોકનો માહોલ છવાયો છે.