હેલમેટના વિરોધમાં ‘આપ’ અને કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી ટીંગાટોળી
"રસ્તાના ખાડાઓ બૂરવામાં તંત્ર દ્વારા જવાબદારીની ફેંકાફેંકી અને હેલ્મેટના નામે આમ જનતાને કનડગત શરમજનક: કોંગ્રેસ”
રાજકોટ શહેરમા વાહનચાલકોને હેલમેટ ફરજીયાતના કાયદાની અમલવારી માટે આજે શહેરના દરેક ચોકે ચોકે પોલીસ પોઇન્ટો ગોઠવવામાં આવ્યા હતા.જો કે સવારનો વરસાદ બંધ ના થતા વાહનચાલકોનેને ભારે હાલાકી ભોગવવી પડી હતી.લોકો પોલીસને ચોકોમાં જોઈને શેરી ગલીઓના રસ્તા પકડ્યા હતા.
આજે કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીની આગેવાનીમા માધાપર ચોકડીએ હેલ્મેટના કાળા કાયદાનો વિરોધ કરે તે પહેલા જ પોલીસે અલગ અલગ જગ્યાઓ પર કાર્યકરો ભેગા થાય ત્યાં જ અટકાયત કરી હતી.કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિત રાજપૂત સહિતના વિદ્યાર્થીઓ એકઠા થતા હતા તે જગ્યાએથી પોલીસે અટકાયત કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને 10 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત પોલીસે કરતા માધાપર ચોકડી હેલમેટ વિરોધી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
અટકાયત સમયે કોંગી કાર્યકરોએ જણાવ્યું હતું કે પહેલા રોડ રસ્તાઓની સ્થિતિ સુધારો,ભારે વાહનોને કારણે અકસ્માતમા લોકોના મોત થાય તો તે પ્રવેશબંધીનો અમલવારી કરાવો,પુરપાટ ઝડપે વાહનો હંકારતા લોકો પર કાર્યવાહી કરવાના બદલે સામાન્ય લોકો પર હેમ્લેટના નામે કનગડત કરી રહ્યા તે શરમજનક છે.
કાયદાઓના અમલીકરણના નામે કરોડા રૂૂપિયાના દંડો વસુલી રહ્યા હોય તે કદાપિ કોંગ્રેસ પક્ષ ચલાવી નહીં લે.
ચોમાસુ શરુ થયુ ત્યારે પહેલા જ સામાન્ય વરસાદ થી રાજકોટ શહેર અને શહેર મધ્ય માંથી પસાર થતા રોડ-રસ્તાઓ ઉપર ભાજપ સરકાર ના આશિર્વાદ અને ભાગીદારીથી ભ્રષ્ટાચાર આચરી કરાયેલ કામોના કારણે મસમોટા ખાડાઓનુ સામ્રાજ્ય છે જેના કારણે રસ્તે પસાર થતા હજારો વાહન ચાલકો રોજે -રોજ અકસ્માતોનો ભોગ બને છે. કેટલાય નિર્દોષ નાગરીકોના હાડકાઓ ભાંગે છે તો કેટલાયના જીવ ગુમાવવાનો વારો આવે છે. જેના કારણે કેટલાય પરિવારો પોતાના લાડકવાયા ગુમાવે છે અને તંત્રના પાપે પરીવારોના માળા વિખેરાઈ છે.
જેની રાજયની ભાજપ સરકાર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ,રૂૂડા કલેક્ટર સહીતના નિભંર તંત્રને લેશમાત્ર દરકાર નથી.
આ ખાડાવાળા રસ્તા ઉપર થી ભાજપ ના પદાધિકારીઓ પોતાની આલીશાન ગાડીઓ લઈ પસાર થતા હોય છે તો કમલમ્ કાર્યાલય પણ 200 મીટર અંતરેજ આવેલ છે પરંતુ વિકાસની વાતો કરનાર ભાજપ ના શાસકો ના મોઢે ભ્રષ્ટાચારે અલીગઢી તાળા લાગી ગયા છે અને એટલેજ અધિકારીઓ જવાબદારી ની ફેંકા ફેંકી કરી રહ્યા છે અને ખરાબ રોડ-રસ્તાઓ ને લઈ હજુ સુધી કોઈ અધિકારીઓ સામે કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામા આવતી નથી.
માથામાં તપેલી પહેરીને વૃધ્ધનો નવતર વિરોધ
રાજકોટમાં આજથી પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવતા જ શહેરીજનોમાં ભારે વિરોધ ઉઠયો છે અને લોકો પોતપોતાની રીતે સ્વયંભુ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે શહેરના કિસાનપરા ચોકમાં એક વૃધ્ધે હેલ્મેટના બદલે માથામાં ‘હેલમેટ હટાવો’ લખેલી તપેલી પહેરીને નવતર વિરોધ નોંધાવ્યો હતો.