જામ ખંભાળિયાના વરવાળા ગામે યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત
દ્વારકા તાલુકાના વરવાળા ગામના વાડી વિસ્તારમાં રહેતી શારદાબેન હીરાભાઈ વિકમા નામની 19 વર્ષની યુવતીએ ગઈકાલે શુક્રવારે વહેલી સવાર પૂર્વેના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે ઘરના રૂૂમમાં રહેલા પંખાના હુકમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. મૃતકના પિતા હીરાભાઈ દુદાભાઈ વિકમા (ઉ.વ. 51, રહે. વરવાળા) એ દ્વારકા પોલીસને કરી છે.
ભીંડા ગામની મહિલાને હાર્ટએટેક
ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા સવિતાબેન આનંદભાઈ ચાવડા નામના 46 વર્ષના મહિલાને ગઈકાલે શુક્રવારે પોતાના ઘરે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ આનંદભાઈ હમીરભાઈ ચાવડાએ અહીંની પોલીસને કરી છે.
કલ્યાણપુર નજીક વાહનની ઠોકરે યુવાનનું મૃત્યુ
કલ્યાણપુર નજીક હાઈવે માર્ગ પર ગઈકાલે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. રણજીતપર ગામના રમેશભાઈ જીવાભાઈ સુવા દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે શુક્રવારે રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક ચલાવીને આ માર્ગ પર ચાલીને જઈ રહેલા એક અજાણ્યા પુરુષને અડફેટે લીધા હતા. જેના કારણે તેમની શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું અને આ વ્યક્તિનો મૃતદેહ માર્ગ પરથી મળી આવ્યો હતો. અકસ્માત સર્જીને આરોપી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર ઘટના સંદર્ભે કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી, આરોપી વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
