બાપુનગરમાં પરપ્રાંતિય શ્રમિક યુવાનને તાવ ભરખી ગયો
ઉનાળાના આકરા તડકા વચ્ચે પણ રોગચાળો બેકાબુ બની રહયો તેમ તાવ, મેલેરીયા સહિતના કેસોનું પ્રમાણ વધી રહયું છે. ત્યારે શહેરમાં બાપુનગરમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનને તાવ ભરખી જતા તેનુ મોત નીપજ્યુ હતુ.
જાણવા મળતી વિગત મુજબ મુળ બિહારના અને હાલ રાજકોટમાં જિલ્લા ગાર્ડન રોડ પર આવેલા બાપુનગર શેરી નં.4માં ક્રિષ્ના કાસ્ટીંગ નામના કારખાનામાં કામ કરતા વિકાસ અનીરૂદ્ધભાઇ મંડલ (ઉ.વ.41)નામના યુવાનને બે દિવસથી તાવ આવતો હોય સ્થાનિક કિલનીકમાંથી દવા લીધી હતી. જો કે, આજે તે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે બાઇ બે બહેનમાં નાના અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તાવથી યુવાનનું મોત નીપજતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.