રામાપીર ચોકડી પાસે ફાકી લેવા ગયેલા યુવાનને પાનના ધંધાર્થીએ લાફા ઝીંકયા
કારીગરે ‘તારા બાપનો નોકર નથી’ કહેતા દુકાનદારને સમજાવવાનું કહેતા ડખો : એટ્રોસિટીની ફરિયાદ
શહેરના 150 ફુટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે પાનની દુકાને ફાકી લેવા ગયેલા યુવાનને પાનના ધંધાર્થીએ લાફા ઝીંકયા બાદ ફોન ઉપર ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં પોલીસે પાનના ધંધાર્થી વિરૂધ્ધ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પાનની દુકાને ફાકી લેવા જતાં કારીગરે ‘તારા બાપનો નોકર નથી’ તેમ કહેતા દુકાનદારને સમજાવવાનું કહેતા તેણે ઉશ્કેરાઈ જઈ માર માર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, રૈયાધાર વિસ્તારમાં આવેલા ઈન્દીરાનગરમાં રહેતો કૌશલ નિતીનભાઈ મકવાણા (ઉ.21) નામનો યુવાને ગત રાત્રે દસેક વાગ્યાના અરસામાં તેની પત્ની સાથે નાણાવટી ચોકથી ઘરે જતો હતો ત્યારે રામાપીર ચોકડી પાસે સ્વપ્નલોક રેસીડેન્સી સામે આવેલી ક્રિષ્ના પાન નામની દુકાને ફાકી લેવા ઉભો હતો અને દુકાનમાં કામ કરતાં જય રમેશ સોલંકીને ફાકીનું પાર્સલ આપવાનું કહેતા તેણે ‘હું તારા બાપનો નોકર નથી,
આવીને લઈ જા’ તેમ કહેતાં તેમણે ક્રિષ્ના પાનના માલિક સાગર રમેશભાઈ મિયાત્રાને ફોન કરી તમારા માણસને સમજાવો મારી સાથે લપ કરે છે તેમ જણાવતાં દુકાનદાર સાગર મિયાત્રાએ ત્યાં આવી ગાળો ભાંડી બે લાફા ઝીંકી દીધા હતાં. બાદમાં ઘરમાંથી લોખંડનો સળીયો લઈ મારવા આવતાં આરોપી સાગરના માતા વચ્ચે પડતાં ફરિયાદી તેની પત્ની સાથે ત્યાંથી નીકળી ઘરે જતો રહ્યો હતો. બાદમાં આરોપીએ તેને ફોન કરી ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. જેથી આ અંગે તેમણે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સાગર મિયાત્રા વિરૂધ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી એસીપી રાધિકા ભારાઈએ વધુ તપાસ હાથ ધરી છે.