તાલાલા પંથકમાં પશુ ચરાવવા ગયેલો તરૂણ વોંકળામાં ડૂબી જતાં મોત
તાલાળા તાલુકાના ગાભા ગામે ગામની ભાગોળે પસાર થતા પાણીના વોકળામાં ડૂબી જવાથી 16 વર્ષીય તરુણનું કરુણ મૃત્યુ નીપજ્યાંની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે બપોરના સમય દરમિયાન ગાભા ગામે દેવીપુજક પરિવારના રામભાઈ ભોજાભાઇ પરમાર નામનો 16 વર્ષીય તરુણ ગામની ભાગોળે વોકળા નજીક પશુઓ ચરાવી રહ્યો હતો. ત્યારે અકસ્માતે આ તરુણ પાણીમાં પડી જતાં લાપતા બન્યો હતો. જે ઘટનાની જાણ ગ્રામજનોને થતા તરુણની શોધખોળ હાથ ધરી હતી. આ અંગે તંત્રને જાણ થતાં ઇન્ચાર્જ ટીડીઓ મયુર વ્યાસ તેમજ નાયબ મામલતદાર ડાંગર તેમજ પોલીસ સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ કરવા છતાં મોડીરાત્રિ સુધી પણ તરુણનો પત્તો લાગ્યો ન હતો. આખરે આજે સવારે વેરાવળ ફાયર ટીમની મદદ લેવાઈ હતી.
વેરાવળ ફાયર ટીમના જવાનોએ એકાદ કલાકની શોધખોળ બાદ તરુણનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ આ તરુણના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાના એવા ગાભા ગામમાં દેવીપુજક પરિવારના તરુણનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થતાં અરેરાટી પ્રસરી જવા પામી છે.