બોટાદના તાજપર ગામે પાંચ લાખ આપી લગ્ન કરનાર યુવકનો આપઘાત
બોટાદના તાજપર ગામના ભરત કનુભાઈ રાઠોડ નામના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. આ મામલે મૃતકના પિતાએ યુવકની પત્ની અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક ભરતના લગ્ન રેફડા ગામના પુનમબેન હરેશભાઈ મકવાણા સાથે દસ મહિના પહેલા થયા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ પુનમબેન અન્ય વ્યક્તિ સાથે નાસી છૂટ્યા હતા.મૃતક યુવકના પિતા કનુભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર, પુનમબેનના પિતા હરેશભાઈ મકવાણાએ લગ્ન માટે 5 લાખ રૂૂપિયા લીધા હતા. આ બાબતે મૃતક ભરતે અગાઉ પોલીસમાં અરજી પણ આપી હતી. મૃતક ભરતને તેના સસરા હરેશભાઈ અને પત્ની પુનમબેન દ્વારા સતત ધમકીઓ આપી ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને ભરતે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મૃતક ભરતના પિતા કનુભાઈ નાનજીભાઈ રાઠોડે બોટાદ રૂૂરલ પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ પુનમબેન હરેશભાઈ મકવાણા અને પુત્રના સસરા હરેશભાઈ કરશનભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી કલમ 108, 351(3), અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.