કાલાવડના મોટા વડાળા ગામે પૈસાની લેતીદેતી પ્રશ્ર્ને યુવાન પર કરાયો હુમલો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા એક ખેડૂત યુવાન પર કારના સુથીના પૈસાની લેતી દેતી ના મામલે એક ગામનાજ એક શખ્સે હુમલો કર્યો છે, અને ચા ની હોટલમાં સમાધાન માટે બોલાવ્યા પછી માથામાં ચા ની કીટલી ફટકારી દઈ માથામાં ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભીખાભાઈ ગોરધનભાઈ બુસા નામના ખેડૂત યુવાને પોતાના માથા પર ચા ની કીટલી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના ગામમાં જ રહેતા ચીમનભાઈ વલ્લભભાઈ કોટડીયા સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત ને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, અને માથામાં ટાંકા લેવા પડ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ભીખાભાઈના મોટાભાઈએ આરોપી ચીમનભાઈ પાસેથી એક કારની ખરીદી કરી હતી અને તેનો દોઢ લાખ રૂૂપિયામાં સોદો કર્યા પછી 50,000 રૂપિયા સુથી પેટે એડવાન્સમાં આપ્યા હતા. ત્યારબાદ કાર લઈને ઘેર જતાં પરિવારના સભ્યોને કાર પસંદ પડી ન હતી, તેથી કાર પરત કરી હતી, અને પચાસ હજાર રૂપિયા સુથીના પરત માંગ્યા હતા.
દરમિયાન ભીખાભાઈને કાલાવડ તાલુકાના મોટા વડાલા નજીક પાતા મેઘપર ચોકડી પાસે આવેલી સામતભાઈ રબારીની ચા ની હોટલે સમાધાન માટે બોલાવ્યા હતા, જ્યાં કાર પરત મેળવી લીધા પછી સુથી ના પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. જે મામલે બબાલ થયા પછી આરોપીએ ભીખાભાઈના માથામાં ચા ની કીટલી ઉપાડીને ફટકારી દીધી હતી. જે બનાવવામાં પોલીસે ચીમનભાઈ કોટડીયા સામે હુમલા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.