સિહોર પોલીસ સ્ટેશનના બીજા માળેથી યુવાને પડતું મૂકી દીધું
ભાવનગર જિલ્લાના સિહોર ટાઉનમાં આવેલા સિહોર પોલીસ સ્ટેશનના બીજા માળેથી ઝંપલાવીને એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા વિસ્તારની એક યુવતી ગુમ થઈ છે. ગુમ થયેલી યુવતી અંગે પૂછપરછ માટે પોલીસ ટોડા ભડલી વિસ્તારમાં રહેતા જાદવ નરશીભાઈ પ્રાગજીભાઈ નામના યુવકને ઉઠાવી લાવી હતી. ગુમ થયેલી યુવતી સાથે અગાઉ નરશી જાદવને પ્રેમ સંબંધ હોય પોલીસે શંકાના આધારે તેની પૂછપરછ કરી હતી.
જોકે યુવાનના પરિવારે જણાવ્યું હતું કે ગુમ થયેલી યુવતી સાથે નરશી જાદવને હાલ કોઈ સંબંધ નથી. હાલ યુવતી કોઈ અન્ય યુવાન સાથે ભાગી ગઈ હોવા છતાં નરશી જાદવની પોલીસ પૂછપરછ કરતી હોવાનું પરિવારે જણાવ્યું હતું.
પોલીસ નરશી જાદવને સિહોર પોલીસ સ્ટેશન લાવી ત્યાર બાદ નરશી જાદવે બીજા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવાનને ગંભીર ઇજા થતા સારવાર માટે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.આ અંગે પોલીસ દ્વારા પરિવારને કોઈ જાણ કરવામાં આવી ન હતી. પરિવારે જણાવ્યું હતું કે યુવાનને કાઈ થાય તો સિહોર પોલીસ જવાબદાર રહેશે.