વાંકાનેરના ઠીકરિયાળા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા મનવીર બાબુભાઈ ધોરીયા નામનો 26 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે મધરાત્રે પોતાની વાડીએ હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈ પાંચ બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. મૃતક યુવાન ખેતી કામ અને ચાની કેબીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
બીજા બનાવમાં વિંછીયાના અમરાપુર ગામે રહેતી વૈશાલીબેન અજીતભાઈ વાસાણી નામની 20 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.