ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા જતાં વીંછિયા પંથકના યુવાને 99,384 રૂપિયા ગુમાવ્યા
સોશ્યલ મીડિયામાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યાં છે ત્યારે વિંછીયા પંથકના અને મોરબી સિરામીક ઉદ્યોગમાં મજુરી કામ કરતા યુવકને સાયબર ગઠીયાઓનો કળવો અનુભવ થયો છે. શ્રમિક યુવાન પોતાનું ક્રેડીટ કાર્ડ બંધ કરાવવા જતાં 99,384ની રોકડ રકમ ગુમાવવાનો વારો આવતાં આ અંગે વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, મુળ વિંછીયા તાલુકાના ગોરૈયા ગામે રહેતા અને હાલ મોરબીના ઘુંટુ ખાતે આવેલ સેરોન સિરામીકમાં નોકરી કરતાં મહેશભાઈ રમેશભાઈ ગઢાદરા (ઉ.26)એ વિંછીયા પોલીસ મથકમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને વિંછીયાના અમરાપુર ગામે આવેલ એચ.ડી. એફ. સી.બેંકમાં ખાતું હોય થોડા સમય પહેલા અમદાવાદથી ફોન આવેલ અને ક્રેડીટ કાર્ડમાં ઓફર છે તેમ કહી ક્રેડીટ કાર્ડ કઢાવવાનું કહેતા ફરિયાદીએ ઓનલાઈન પ્રોસિઝર કરી ક્રેડીટ કાર્ડ કઢાવ્યું હતું જે ક્રેડીટ કાર્ડ ફરિયાદીના વતન ગોરૈયા ગામે આવ્યું હતું.
ત્યારબાદ ફરિયાદી એક મહિના પછી ઘરે રજા ઉપર આવ્યા ત્યારે ઘરે આવેલ ક્રેડીટ કાર્ડ એકટીવ કરવા માટે બેંકે ગયા હતાં પરંતુ ક્રેડીટ કાર્ડ બંધ હોય પરત ઘરે આવી ક્રેડીટ કાર્ડ મુકી મોરબી ખાતે નોકરી પર જતાં રહ્યા હતાં. બાદમાં તા.12-2-2024નાં તેના ફોન ઉપર અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને પોતાની ઓળખ એચ.ડી.એફ.સી.ના કર્મચારી તરીકે આપી મુંબઈ બ્રાંચથી બોલું છું. ક્રેડીટ કાર્ડ બંધ કરવું હોય તો તમારા મોબાઈલમાં ઓટીપી આવે તે મને આપો તેમ કહ્યું હતું. જે ઓટીપી આરોપીને આપતાની સાથે જ ફરિયાદીના ખાતામાંથી 99,384ની રોકડ રકમ ઉપડી ગઈ હતી.
આ બનાવ અંગે સાયબર સેલમાં ઓનલાઈન કમ્પલેન કરતાં વિંછીયા પોલીસે ગુનો નોંધી મોબાઈલ નંબરના આધારે ગઠીયાની શોધખોળ હાથ ધરી છે.