વાંકાનેરનો સ્કૂલ સંચાલક નકલી અધિકારી બની ફરતો ઝડપાયો
અમદાવાદમાંથી ગાડી ભાડે કરી સરકારના લોગો મારી રોફ જમાવતો’તો : સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના લેટરપેડનો દુરપયોગ
ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર વચ્ચે રવિવારે અમદાવાદમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. જેમાં વાંકાનેરની કિડ્ઝલેન્ડ તથા જ્યોતિ વિદ્યાલયના સંચાલક મેહુલ શાહએ પોતે અમદાવાદની અસારવાની સ્કૂલના ટ્રસ્ટી હોવાનું અને મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયું હોવાનું કહીને ભાડે ગાડી લઈ છેતરપિંડી આચરતો હતો. જોકે, ભાંડો ફૂટતા સરકારી અધિકારી હોવાનો રોફ જમાવીને ફરી રહેલા મેહુલ શાહની પોલીસે ધરપકડ કરી છે.
બાબતે પ્રાપ્ત મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના પાલડીના ફતેપુરામાં રહેતા પ્રતિક શાહ ગાડી ભાડે આપવાનું કામ કરે છે. તેમની પાસેથી આરોપી મેહુલે સરકારી વિભાગમાં ઊંચી પોસ્ટ પર અધિકારી હોવાનું કહીને ડ્રાઇવર સાથે ગાડી માંગી હતી. પ્રતિકે આરોપી મેહુલ શાહને ગાડી ભાડે આપી હતી. બાદમાં કાર પર સાયરન, સફેદ પડદા અને ભારત સરકારનું સ્ટીકર લગાવવાનું કહેતા પ્રતિકે મેહુલ શાહ પાસે તે માટેનો પરમિશન લેટર માગ્યો હતો. આરોપી મેહુલે ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ, સચિવ ગૃહ મંત્રાલય, ગાંધીનગરનો લેટર આપીને સાયરન અને સરકારનું સ્ટીકર લગાવડાવ્યું હતું.જે બાદ આરોપી મેહુલ શાહે મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયાનું કહીને બીજી ગાડી માંગી હતી. ત્યારે પ્રતિકે સરકારનો વર્ક ઓર્ડરનો લેટર માંગતા આરોપીએ ખોટો લેટર પણ આપ્યો હતો. બાદમાં ગાડી પર બોર્ડ ચેરમેન અને ભારત સરકાર લખાવીને 90 હજાર ભાડું ન આપીને ઠગાઇ આચરી હતી.
આ મામલે ક્રાઇમ બ્રાંચને જાણ થતાં વાંકાનેર ખાતે રહી કિડ્ઝલેન્ડ તથા જ્યોતિ વિદ્યાલયનું સંચાલન કરતા આરોપી મેહુલ પી. શાહ સામે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવમાં ઝડપાયેર આરોપી મેહુલ શાહે ફક્ત કાર ભાડે આપનારને જ નહીં અન્ય લોકોને પણ છેતર્યા હોવાની માહિતી મળી છે. મેહુલ શાહે એક વ્યક્તિને તેના પુત્રને અસારવાની સ્કૂલમાં ક્લાર્ક તરીકે લગાવવાની લાલચ આપીને ત્રણ લાખ રૂૂપિયા પડાવ્યા હતા. આરોપીએ જિલ્લા શિક્ષણાધિકારીનો લેટર પણ આપ્યો હતો. આ અંગે ખરાઇ કરતા તે ખોટો હોવાનો ખુલાસો થયો હતો.આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર જે. કે. મકવાણાએ જણાવ્યું કે, ‘મેહુલ શાહે બી. ઈ. મીકેનીકલનો અભ્યાસ કર્યો છે અને વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલ અને કીડ્સ વર્લ્ડ નામની સ્કૂલનું સંચાલન કરે છે. આઇએએસ તરીકે રૂૂબ જમાવવા માટે તે પોતાની ઓળખ ગૃહ વિભાગના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવેલોપમેન્ટના ચેરમેન તરીકે ઓળખ આપીને લોકો પાસેથી અલગ અલગ લાલચ આપીને નાણાં ઉઘરાવતો હતો. તેણે વર્ષ 2018થી વાંકાનેરમાં જ આઇએએસના બનાવટી લેટર બનાવ્યાનો ખુલાસો થયો છે. આ કેસમાં હજુ અનેક ભોગ બનનાર સામે આવી શકે તેવી પુરેપુરી શક્યતા છે.
પોલીસે મેહુલ શાહની ધરપકડ કરી આવી અન્ય કેટલી અને ક્યાં ક્યાં ઠગાઈ કરી છે તે અંગે પૂછપરછ શરૂૂ કરી છે. શક્ય છે કે મેહુલ શાહનો ભાંડો ફૂટી જતા ભોગ બનેલા અન્ય લોકો પણ પણ મેહુલ શાહ સામે ફરિયાદ નોંધાવા આવી શકે છે.