ત્રંબાના યુવાને દેણું વધી જતાં ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે રહેતાં યુવાને દેણાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના ત્રંબા ગામે રહેતા પ્રમોદભાઈ નારાયણભાઈ શાહ નામના 35 વર્ષના યુવાને 3 થી 4 લાખ વ્યાજે લીધા હતાં. જે દેણાની ચિંતામાં બપોરના સમયે પોતાના ઘરે હતા ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા યુવકનું નિવેદન નોંધ્યું હતું.
આ ઉપરાંત બીજા બનાવમાં શાપરમાં કારખાનામાં કામ કરતી ઢીંગીબેન પંજારીરામ નામની 18 વર્ષની પરિણીતાએ પતિ સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થતાં ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.