શાપરના યુવકને ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં ઝઘડો થતાં કર્યો આપઘાતનો પ્રયાસ
શાપર-વેરાવળમાં રહેતા યુવકને પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં બોલાચાલી થયા બાદ ફીનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળમાં ક્રિષ્નાધામ સોસાયટીમાં રહેતા સાગર મગનભાઈ વાંક નામના 28 વર્ષના યુવકને પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં ઝઘડો થયો હતો. જેથી યુવકને માઠુ લાગી આવતાં ફીનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સાગર વાંક બે બહેનોનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ચોટીલા ભોજપરી ગામે રહેતી રોશનબેન નનકુભાઈ બથવાર નામની 19 વર્ષની યુવતી પોતાની વાડીએ હતી ત્યારે કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.