કચ્છના વંધાય તીર્થધામનો વહીવટ અંતિમ આદેશ સુધી હાલના મહંત કરશે : હાઇકોર્ટ
કચ્છના લાખો ભક્તો માટે આસ્થાનું પ્રતિક એવા ઈશ્વર આશ્રમ મુદ્દે હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે ગુજરાત સરકારે આપેલું સૂચન ગ્રાહ્ય રાખ્યું છે. ઘણા વર્ષોથી આશ્રમનું સંચાલન કરતા હાલના મહંતને આગામી દિવસોમાં છેલ્લો નિર્ણય ન આવે ત્યાં સુધી આશ્રમના વહીવટનો કારોભાર સોંપ્યો છે.
કચ્છના સરહદી ગામ વંધાય ખાતે આવેલા ઈશ્વર આશ્રમના સંચાલન મુદ્દે વર્ષ 2012થી વિવાદ ચાલી રહ્યો છે. જે બાદ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે જ્યાં ગુજરાત સરકારે ઉત્તરાધિકારી તથા વ્યવસ્થાપન મુદ્દે અંતિમ નિર્ણય બાકી હોય ત્યારે આશ્રમની વહીવટી વ્યવસ્થામાં વારંવાર વચગાળાના આદેશોથી ફેરફાર ન થાય તેવું હાઈકોર્ટને મંતવ્ય રજૂ કર્યું હતું જેને કોર્ટે માન્ય રાખ્યું છે. હાઈકોર્ટે એ પણ ટાંક્યું છે કે સંવેદનશીલ ધાર્મિક સંસ્થાઓમાં પરિવર્તન ઉતાવળ અથવા જૂથવાદથી નહીં પરંતુ ન્યાય, સાતત્યતા અને વિચારપૂર્વકની પ્રક્રિયા દ્વારા થવું જોઈએ.જેથી હાલના મહંત, આગામી અંતિમ નિર્ણય સુધી આશ્રમનું સંચાલન ચાલુ રાખશે.
વિવાદનો મધપૂડો વર્ષ 2012માં શરૂૂ થયો હતો જ્યારે સાધુ કરસનદાસજીના ગુરુ શાંતિરામજીનું અવસાન થયું હતું. જે જૂથ વચ્ચે મંદિરના વહીવટને લઈને ડખો પડ્યો હતો. એક જૂથનો દાવો હતો કે ગુરુએ ઉત્તરાધિકારીની નિમણૂક કરી ન હતી જેથી ભક્તોની કમિટી દ્વારા મંદિરનો વહીવટ થાય જ્યારે બીજી તરફ હાલના મહંત સાધુ મોહનદાસજી દાવો કર્યો હતો કે પરંપરાગત ચાદર વિધીથી તે ઉત્તરાધિકારી તરીકે નિમાયા હતા. આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે સમગ્ર મામલો કોર્ટે ચડયો હતો. વર્ષ 2025માં રાજકોટનાં ચેરીટી કમિશનરને મહંતને દૂર કરી એડ-હોક કમિટી નિયુક્ત કરવામાં આવે તેવી અરજી થઈ હતી. જે બાદ પહેલા એક સમૂહ અને સરકારી અધિકારીને જવાબદારી સોંપાઇ હતી.
તેના થોડા દિવસો પછી આદેશમાં ફેરફાર કરી આશ્રમનો વહીવટ બે સરકારી અધિકારીઓ આપવામાં આવ્યો હતો જેથી મડાગાંઠ પડી હતી. આ કેસ હાઈકોર્ટ પહોંચતા રાજ્ય સરકારના સૂચન પ્રમાણે હવે આશ્રમના વહીવટમાં કરાયેલા બંને સ્થળાંતર આદેશો રદ્દ કરી,ઉત્તરાધિકારી અને ભાવિ સંચાલન વ્યવસ્થા અંગેની મુખ્ય અરજીઓનો ચેરીટી કમિશ્નર ઝડપથી નિકાલ થાય અને અંતિમ નિર્ણય ન આવે સુધી વહીવટ હાલના મહંતને સોંપ્યો છે. ઈશ્વર આશ્રમ જે વંધાય તીર્થધામ તરીકે ઓળખાય છે. કચ્છના અનેક ભક્તો માટે આધ્યાત્મિક અને સામાજિક કેન્દ્ર છે. જ્યાં સંત ઓધવરામ બાપા અને સંત શાંતિરામજી મહારાજ જેવા સંતોએ સામાજિક સેવાની સરવાણી વહાવી હતી.