કાલાવડનો યુવાન જામનગરના બે વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતો એક યુવાન જામનગરના બે વ્યાજખોર બંધુઓની ચૂંગાલ માં ફસાયો છે, અને સૌ પ્રથમ ત્રણ લાખ રૂૂપિયા લીધા બાદ કુલ 18 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધા છતાં બંને ભાઈઓ ધાક ધમકી આપી ત્રાસ ગુજારતા હોવાથી આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગતો એવી છે કે કાલાવડમાં અમીપરા પાર્ક વિસ્તારમાં રહેતો કાસીમ હબીબભાઈ સમા નામનો 37 વર્ષનો સંધિ જ્ઞાતિનો યુવાન કે જે જામનગરમાં રબ્બાની પાર્ક વિસ્તારમાં રહેતા બે ભાઈઓ યાસીન અબ્દુલભાઈ સમા અને યુનુશ અબ્દુલભાઈ સમા ના વ્યાજ ના વીસચક્ર માં ફસાયો છે અને બંને ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આજથી ત્રણ વર્ષ પહેલાં સૌપ્રથમ યાસીન અબ્દુલભાઈ સમા પાસેથી ત્રણ લાખ રૂૂપિયા માસિક 8 ટકા ના વ્યાજે લીધા હતા, અને દર મહિને 22 હજાર રૂૂપિયા જેટલું વ્યાજ ચૂકવતો હતો. પોતાની પાસે પૈસાની સગવડ ન થતાં ફરીથી તેણે યાસીનના ભાઈ યુનુસ પાસેથી બીજા ત્રણ લાખ રૂૂપિયા લીધા હતા, અને તેના આધારે પૈસા ચૂકવતો હતો.
બંને ભાઈઓએ ત્રણ લાખ રૂૂપિયા નો એક ચેક તેમજ સાત અન્ય કોરા ચેક મેળવી લીધા હતા, અને દબાણ કરીને પૈસા કઢાવતા હતા. ફરીયાદી યુવાને ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન છ ગણું એટલે કે 18 લાખ રૂૂપિયા જેટલું વ્યાજ બંને ભાઈઓને ચૂકવી દીધું હોવા છતાં હજુ વધુ વ્યાજ અને મુદ્દલ રકમ મેળવવા માટે પઠાણી ઉઘરાણી કરાતી હોવાથી અને તમામ રકમ એકી સાથે આપી દેવા દબાણ કરાતું હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને કાલાવડ પોલીસ મથકમાં બંને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને કાલાવડ પોલીસે તપાસ નો દોર જામનગર સુધી લંબાવ્યો છે.