પ્રેમલગ્નનો ખાર રાખી જામનગરના યુવકની રાજકોટમાં હત્યા
- પત્નીને તેડવા બોલાવ્યા બાદ કુવાડવા રોડ પર ડેલામાં સાળાએ મિત્ર સાથે મળી બેફામ ફટકાર્યો
- સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો, લોકોના ટોળાં એકઠા થતા સિવિલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
જામનગરના દરેડથી પત્નીને તેડવા રાજકોટ આવેલા પતિ પર સાળા અને તેનાં મિત્રએ ધોકા વડે ખૂની હુમલો કર્યો હતો.યુવકે બે વર્ષ પહેલા રાજકોટની યુવતી સાથ કોર્ટ મેરેજ કર્યા હતા.થોડાં દિવસ પહેલાં પત્નિ માવતરે ગયા બાદ તેમની તબિયત સારી નહીં હોવાનું બહાનું કાઢી સાળાએ તેમને સાસરે જ જવા ન દેતા પતિને રાજકોટ લેવા બોલાવ્યો હતો.કોર્ટ મેરેજનો ખાર રાખી સાળાએ બનેવી પર હુમલો કર્યો કરી બંને પગ અને હાથ ભાંગી નાખ્યા હતા.જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવમાં યુવકની ફરિયાદ પરથી તેમના સાળા અને તેના મિત્ર વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.આ બનાવમાં યુવકનું સારવારમાં મોત નિપજ્યા બનાવ હત્યામાં પલટયો હતો.
જામનગરના દરેડમાં રહેતા સુનિલભાઈ જગદિશભાઈ જાદવ (ઉ.વ.27)એ ફરિયાદમાં જણાવ્યું કે,હું સેન્ટીંગ કરું છું.મેં બે વર્ષ પહેલા રાજકોટમાં મોરબી રોડ ગણેશનગરમાં તેના માસીના ઘરે રહેતો હતો ત્યારે ત્યાં શેરી નં.7 માં રહેતા મનુભાઈ પરમારની દિકરી પ્રિયા સાથે જુનાગઢ કોર્ટમાં મેરેજ કરી લીધા હતા.બાદતા.6/3ના રોજ મારો સાળો રવિ મારી પત્નિ પ્રિયાની તબિયતનુ બહાનું કાઢી રાજકોટ તેડી ગયો હતો.બે દિવસથી હુ ફોન કરતા કોઈ ફોન ઉપાડેલ નહીં.બાદમાં હું રાજકોટ પ્રિયાને તેડવા માટે આવ્યો અને સાળા રવિએ ફોન કરી મને રાજકોટ કુવાડવા રોડ ચામુંડાનગરમાં આવેલ તેના ટાયરના ડેલામાં બોલાવ્યો હતો.ત્યાં રવિ તથા તેના મિત્રએ ચા પાણી પીવડાવ્યા બાદ મેં પ્રિયાને બોલાવાનુ કહેતા રવિ તથા તેનો મિત્ર થોડા આઘા પાછા થઈ અને રવિએ ગાળો આપી મોઢુ દબાવી ખાટલામાં સુવડાવી દીધો હતો.તેનો મિત્ર પાઈપ લાવી મને જેમ ફાવે તેમ મારવા લાગ્યો હતો.બાદમાં હુ બુમાબુમ કરતા રવિના મિત્ર પાસે છરી હતી.તે રવિએ હાથમા લઈ અને છરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યાં ડેલા બહાર માણસો ભેગા થઈ જતા બંને જણા હથિયાર લઈ ત્યાંથી નાસી ગયા હતા. બાદ સુનિલને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવારમાં બંન્ને પગમા ફેક્ચર થયાનું તબીબે જણાવ્યું હતું.આ ઘટના મામલે બી ડિવિઝન પીઆઇ એસ.એમ. જાડેજા, પીએસઆઈ શેખ, બ્રિજરાજસિંહ અને ડી સ્ટાફના પીએસઆઈ કે.ડી. મારુ,પીએસઆઈ પી.સી.સરવૈયા અને સ્ટાફે ગુન્હો નોંધી આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા તેવામાં ગંભીર રીતે ઘવાયેલા સુનિલે મોડી રાત્રે સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટયો હતો.આ ઘટનાથી મૃતકના પરિવાર અને સમાજ સિવિલ હોસ્પિટલમાં એકઠો થયો હતો.તેમજ પોલીસના ધાડેધડા ઉતારી દેવામાં આવ્યા હતા.
મૃતદેહ નહીં સ્વીકારતા પોલીસે ન્યાયની ખાતરી આપતા અંતે મામલો થાળે પડ્યો
શહેરના કુવાડવા રોડ પર આવેલા ચામુંડાનગર નજીક ટાયરના ડેલામાં જામનગરના દરેડના સુનિલને પત્નીને તેડવા બોલાવી સાળા અને તેમના મિત્રએ ખૂની હુમલો કરતા તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવથી સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.તેમજ યુવાનનો મૃતદેવ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.ત્યારબાદ બી ડિવિઝન પોલીસના પીઆઇ એસ.એમ.જાડેજા અને ટીમે મૃતક પર હુમલો કરનાર બંને આરોપીને સંકજામાં લઇ ન્યાયની ખાતરી આપતા અંતે મામલો થાળે પડ્યો હતો.