ખંભાળિયામાં આર્થિક સંકડામણથી વ્યથિત દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવી
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુસુફભાઈ હાજીભાઈ ચૌહાણ નામના 36 વર્ષના મુસ્લિમ યુવાને કામ ધંધા માટે એક વાહન લીધું હતું. આ વાહનનો તેમજ અન્ય બાબતના બેંક લોનના હપ્તા તેમને ચાલુ હોય, અને તેમનો ધંધો સારી રીતે ચાલતો ન હોવાથી તેમના પર ભરવાના હપ્તા વધી ગયા હતા. આ રીતે સર્જાયેલી આર્થિક સંકળામણથી વ્યથિત હાલતમાં તેમણે ગઈકાલે મંગળવારે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની સલમાબેન યુસુફભાઈ ચૌહાણએ દ્વારકા પોલીસને કરી છે.
યુવાન ઉપર હુમલો.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા અને ડ્રાયવિંગ કામ સાથે સંકળાયેલા કરસનભાઈ ગાંગાભાઈ વારસાકિયા નામના 36 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન તેમજ તેમની સાથે સાહેદ નરેશ પ્રવીણભાઈ વારસાકીયા નામના યુવાનો ફરિયાદી કરસનભાઈના બહેનના દિયર સાથે તેમના ઘરના પ્રશ્નો બાબતે અહીંના હર્ષદપુર વિસ્તારમાં વાતચીત કરી રહ્યા હતા. ત્યારે દેવુ ગઢવી નામના શખ્સએ ફરિયાદી કરસનભાઈ વારસાકિયાને શાંતિથી વાત કરવા કહેતા તેમને સમજાવવા જતા આરોપી દેવુ ગઢવીએ તેમને બીભત્સ ગાળો માંડી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.
આટલું જ નહીં, અન્ય એક આરોપી વિશાલ સોમાભાઈ પારીયા નામના શખ્સ દ્વારા પણ ઉશ્કેરાઇને આ બંને આરોપીઓએ એક સંપ કરી, ફરિયાદી કરસનભાઈ તથા સાહેદ નરેશને લાકડાના ધોકા વડે બેફામ માર મારી, બીભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે એટ્રોસિટી અને ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.