અમૂલ સર્કલ પાસે યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક ભીંસના કારણે અનેક લોકો આત્મહત્યા અને આપઘાતના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી અમુલ સર્કલ પાસે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા સાગર ધનજીભાઈ ચૌહાણ નામનો 30 વર્ષનો યુવાન રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં અમુલ સર્કલ પાસે હતો ત્યારે એસિડ પી લીધું હતું યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર સાગર ચૌહાણ બે ભાઈ બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં એક દીકરો છે સાગર ચૌહાણ સફાઈ કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે પરંતુ આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.