મુંદ્રાની ભુખી નદીમાં નહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
મોટા કપાયાના 25 વર્ષીય યુવાન સિદ્ધરાજસિંહ નાગુભા ચૂડાસમા (ઉં. વ. 25)નું નદીમાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું અને વ્યાપક શોધખોળને અંતે 14 કલાક પછી તેમનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે અબડાસાના કરમટાના માલધારી બિજલ સાધા રબારીનું ચરિયાણ દરમ્યાન પાણીના ખાબોચિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.પ્રાપ્ત અહેવાલ મુજબ, આ વિસ્તારના અગ્રણી જુવાનાસિંહ ભાટીએ જણાવ્યું કે, ગઈકાલે રવિવારે લગભગ બપોરે 4:30 વાગ્યાના અરસામાં સિદ્ધરાજસિંહ તેના ચાર-પાંચ મિત્ર સાથે ટોડાથી મુંદરા તરફ આવતી ભૂખી નદીમાં પ્રાગપર નજીકના કાંઠે નાહવા ગયો હતો, જેમાં આ હતભાગી યુવાનનો પગ ખાડામાં ફસાઈ જતાં તે ડૂબી ગયો હતો. પરિવારજનો અને ગ્રામજનોએ વ્યાપક શોધ કરી હતી. મામલતદાર, ટીડીઓ તેમજ સંબંધિત તંત્રએ બચાવ ટીમનો સંપર્ક કરી શોધ કરી હતી. બચાવ ટુકડીએ અંધારું હોવાથી કાલે શોધખોળની વાત કરી.
જો કે, આજે વહેલી સવારે જ્યાંથી નાહવા ગયા હતા તે પ્રાગપર નજીક કાંઠેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ અબડાસા તાલુકાના કરમટામાં 55 વર્ષીય માલધારી બિજલ સાધા રબારી ગઇકાલે સવારે ચરિયાણ માટે નીકળ્યા હતા અને રાત સુધી પરત ન આવતાં તેમની શોધખોળ આદરાઇ હતી. આ શોધખોળ દરમ્યાન આજે સવારે કરમટાની પશ્ચિમ સીમ બાજુ પાણીના ખાબોચિયામાંથી તેની લાશ મળી આવી હતી. પાણીના ખાબોચિયામાં ખાબકેલી ભેંસને કાઢવા દરમ્યાન માલધારી બિજલ ડૂબી ગયાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. આ બનાવની જાણ થતાં પરિસ્થિતિનો તાગ મેળવવા અબડાસાના મામલતદાર એસ.બી. બોડાણા, તાલુકા વિકાસ અધિકારી બી. એમ. ચૌધરી અને વાયોર પોલીસ ઘટનાસ્થળે ધસી ગયા હતા. પંચનામું અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા બાદ બિજલની લાશ પરિજનોને સોંપાઇ હતી. આ બનાવને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી હતી. વાયોર પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ આદરી હતી.