બેડલા ગામે તળાવમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
શહેરની ભાગોળે આવેલા બેડલા ગામે રહેતો યુવાન ગામ નજીક આવેલા તળાવમાં ન્હાવા ગયો હતો. ત્યારે તળાવના ઊંડા પાણીમાં ગરક થઇ જતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે એરપોર્ટ પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, બેડલા ગામ પાસે આવેલા તળાવમાં સાંજના સમયે કોઇ પુરૂૂષ તળવામાં ડૂબી ગયા અંગેની ગ્રામજનોને જાણ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરના સ્ટાફે અહીં પહોંચી મૃતદેહને બહાર કાઢયો હતો. દરમિયાન પોલીસને જાણ કરી દેવાતા એરપોર્ટ પોલીસ મથકના એએસઆઇ પરેશભાઇ સાંગાણીએ અહીં પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.
તળાવમાં ડૂબી જવાથી મોતને ભેટનાર યુવાન બેડલા ગામે રહેતો દિપકભાઇ માયાભાઇ બથવાર(ઉ.વ. 35) હોવાનું માલુમ પડયું હતું. યુવાન કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવાન ત્રણ ભાઇ બે બહેનના પરિવારમાં નાનો હતો. યુવાન ગઇકાલે બપોરના સમયે એકલો ઘર નજીક આવેલા તળાવે નાહવા ગયો હતો. ત્યારે અકસ્માતે તળાવમાં ઊંડા પાણીમાં ગરક થઇ જતા તેનું મોત થયાનું જાણવા મળ્યું છે. બનાવને લઇ યુવાનના પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.