આજી ડેમ ચોકડી નજીક હિટ એન્ડ રન ટ્રકની ઠોકરે એક્ટિવાચાલક યુવાનનું મોત
પાંચ બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં ગમગીની
શહેરનાં આજી ડેમ ચોકડી નજીક બાયપાસ હાઈ-વે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. પુરપાટ ઝડપે આવતાં ટ્રક ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતાં પાંચ બહેનોના એકના એક ભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધવા અને ટ્રક ચાલકને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ આજી ડેમ ચોકડી નજીક આવેલા મચ્છાનગર શેરી નં.5માં રહેતો સંજય ભુરાભાઈ જાદવ (ઉ.22) નામનો ભરવાડ યુવાન આજે બપોરે પોતાનું એકટીવા લઈ આજી ડેમ ચોકડીથી ગોેંડલ ચોકડી તરફ જતો હતો ત્યારે બાયપાસ હાઈવે પર રામવન જવાના રસ્તા નજીક પહોૈંચતાં પુરપાટ ઝડપે આવતાં ટ્રક ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલક સંજયનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ નાસી છુટયો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ ચોકીનો સ્ટાફ તાત્કાલીક દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક સંજય પાંચ બહેનનો એકનો એક મોટો ભાઈ હોવાનું અને તે કારખાનામાં કરતો હોવાનું જાણવા મળ્યું છે. આજે બપોરે તે એક્ટિવા લઈ ગોંડલ ચોકડીએ કામ સબબ જતો હતો ત્યારે રસ્તામાં જ કાળ ભેટી જતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે આજી ડેમ પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા અને તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.