કોટડાસાંગાણીના ખરેડા પાસે ટ્રકની ઠોકરે બાઈક ચડી જતાં યુવાનનું મોત: બેને ઈજા
રાજકોટ જિલ્લાના રાજમાર્ગો પર સર્જાતા જીવલેણ અકસ્માતોની હારમાળામાં વધુ એક અકસ્માતનો ઉમેરો થયો છે.ગોંડલથી ત્રિપલ સવારી બાઈકમાં સોડીયા જવા નીકળેલા ત્રણ મિત્રો કોટડાસાંગાણીના ખરેડા ગામ પાસે પુલીયા પર બાઈક ઉભી રાખી લઘુશંકા કરતાં હતાં ત્યારે પૂરઝડપે ધસી આવેલા ટ્રક ફરી વળતાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બે ને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગોંડલના ભગવતપરામાં રહેતા દિલીપ ગોરધનભાઈ બાવળીયા (ઉ.29) નામના યુવાને કોટડાસાંગાણી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ટ્રક ચાલકનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે ફરિયાદી તથા તેના મિત્ર સુરેશ ભનુભાઈ અને સુરેશ દેવશીભાઈ બાઈક લઈ કામસર સોડીયા ગામે જવા નીકળ્યા હતાં.
ત્રણેય મિત્રો બાઈક પર જતાં હતાં ત્યારે કોટડાસાંગાણીના ખરેડા ગામ નજીક પુલીયા પાસે બાઈક રોકી ત્રણેય મિત્રો લઘુશંકા કરવા માટે ઉભા રહ્યા હતાં. ફરિયાદી યુવાન પુલીયા પાસે લઘુશંકા કરતો હતો અને તેના બન્ને મિત્રો સુરેશ ભનુભાઈ અને સુરેશ દેવશીભાઈ પુલની પારી પર બેઠા હતાં ત્યારે પૂર ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે ત્રણેય યુવાનને હડફેટે લેતાં સુરેશ ભનુભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સુરેશ દેવશીભાઈને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.