જૂનાગઢમાં રાષ્ટ્રધ્વજ ફરકાવતી વેળાએ યુવાનનું વીજકરંટથી મોત
ઝાડ નજીકથી પસાર થતો વીજવાયર લોખંડના પાઇપને અડી જતા કરંટ લાગ્યો
જૂનાગઢના કૈલાશ ફાર્મ નજીક ઝાડ પર તિરંગો ફરકાવવા જતા હનીફ સિડા નામના 48 વર્ષીય યુવાનનું મોત થયાની ઘટના સામે આવી છે. કૈલાશ ફાર્મ નજીક વેલ્ડીંગની દુકાનમાં કામ કરતો યુવાન દુકાન નજીક આવેલા ઝાડ પર લોખંડના પાઈપથી ધ્વજ ફરકાવવા માટે ગયો હતો. તે સમયે ઝાડ નજીકથી પસાર થતા વીજ વાયરમાં લોખંડનો પાઈપ અડી જતા યુવાનને કરંટ લાગ્યો હતો.
યુવાનને કરંટ લાગવાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થયા હતા અને યુવાનને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે હનીફ સિડાને મૃત જાહેર કર્યા હતા. યુવાનના મોતની જાણ પરિવારજનોને થતા પરિવાર પર આભ ફાટ્યું છે.
મૃતકના ભાઇ યાકુબ સીડાએ જણાવ્યું હતું કે, મારા કાકાના દીકરા હનીફ સીડા વેલ્ડીંગની દુકાનમાં કામ કરતો હતો. તે સમયે તિરંગો લહેરાવવા જતા કરંટ લાગતા તેનું મોત નીપજ્યું છે. આજે ઝંડો લહેરાવતી વખતે મારો ભાઈ મૃત્યુ પામ્યો છે.