ગઢડાના લાખણકા ગામે યુવાનનું અકસ્માતમાં મોત
યુવાન મિત્રને મળવા ભાવનગર ગયો હતો પરત ફરતા અકસ્માત સર્જાયો હતો
ગઢડા(સ્વામીના) તાલુકાના લાખણકા (ગોવાળીયા) ગામે રહેતા આશાસ્પદ યુવક તેના મિત્રની ક્રેટા કાર લઈને પોતાના ઘર તરફ પરત આવી રહેલ. તે દરમિયાન સ્ટેયરીંગ પરનો કંટ્રોલ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલક યુવકનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ગઢડાના લાખણકા (ગોવાળીયા)ગામે રહેતા અજયભાઈ હરીભાઈ વઢેળ (ઉ.વ. 28) ગઈકાલે સાંજે ઘરેથી પોતાના મિત્રને મળવા ભાવનગર ગયા હતા. ત્યારબાદ પરત ફરતા વલ્લભીપુર રહેતા એક મિત્રને ઉતારી લાખણકા પરત જવા નિકળતા અયોધ્યાપુરમ નજીક પહોંચતા કારના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે વલભીપુર સરકારી દવાખાને ખસેડવામાં આવતા ઈજાગ્રસ્ત અજયભાઈ હરીભાઈ વઢેળ (ઉં.વ.28)ને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અનુસંધાને મૃતકના પિતા હરીભાઈ ભગવાનભાઈ વઢેળે વલભીપુર પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.